હળવદના માલણીયાદમાં ૨૦૦ જેટલી ચકલીઓનાં ટપો-ટપ મોત

- text


માલણીયાદ ગામની સીમ ગડબો વિસ્તારમાં ઝેરી અસરથી મોત થયાનું તારણ : બર્ડ હેલ્પ લાઈનની ટીમ ઘટના સ્થળે પહોંચતા ૨૫ ચકલી બચાવી લેવાઈ

હળવદ : આડેધડ શહેરી કરણ અને વાતાવરણમાં બદલાવને કારણે તમારી, મારી આપણા સૌની વહાલી ચકલી લુપ્ત થવાના આરે પહોંચી છે ત્યારે આજે હળવદના માલણીયાદ ગામની સીમમાં ટપો-ટપ ૨૦૦ જેટલી ચકલીઓના મોત નિપજતા સનસનાટી મચી જવા પામી છે, જો કે બર્ડ હેલ્પલાઈનની ટીમ તાકીદે ઘટના સ્થળે પહોંચી જતા ૨૫ જેટલી ચકલીઓને બચાવી લેવામાં સફળતા મળી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામના સીમમાં ઝેરી અસરથી ૨૦૦ જેટલી ચકલીઓનાં મોત થતા સમગ્ર હળવદ પંથકના પક્ષી પ્રેમીઓ તેમજ જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ૨૦૦ થી વધુ ચકલીઓના એક સાથે મોત થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા.

- text

દરમિયાન માલણીયાદ ગામના ખેડુત હસમમુખભાઈ અને યુવા પત્રકાર જગદીશ પરમારએ આ બાબતે તાબડતોબ હળવદ પીએસઆઈ સી. એચ. શુક્લનો સંપર્ક કરતા પીએસઆઈ શુકલએ સમય સુચકતા વાપરી તુરત જ બર્ડ હેલ્પલાઈનની ટીમને ફોન કર્યો હતો અને બર્ડ હેલ્પલાઈનની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને ૨૫ જેટલી ચકલીઓને બચાવી લેવાઈ હતી.

હળવદ પંથકમાં એકસાથે ૨૦૦ જેટલી ચકલીઓના મોત થતા જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પશુ ડૉ. એન.ટી. નાયકપરા તથા ફોરેસ્ટ અધિકારી સાથે બર્ડ હેલ્પલાઈન ટીમમાં મહેશ નાડોદા, નીરવ ખત્રી,હષૅ વાધેલા, ચિરાગ વાધેલા, રવિ સોલંકી, ઉષા ચૌહાણ વગેરેનો ગ્રામજનોએ ટીમની કામગીરીની સરાહના કરી હતી.

- text