મોરબી નગર પાલિકામાં ભૂકંપ : ૧૮ સભ્યોએ રિકવિજેશન બેઠક બોલાવવા માંગ ઉઠાવી

- text


નગરપાલિકાની ચૂંટણી બાદ કોંગ્રેસના ૩૨ અને ભાજપના ૨૦ સભ્યો ચૂંટાયા હતા : ૧૨ સભ્યોએ વિકાસ સમિતિ બનાવી કોંગ્રેસ સાથે છેડો ફાળ્યો તો..

મોરબી : મોરબી પાલિકામાં દર છ- છ મહિને સતા પરિવર્તનની મોસમ જામી હોય તેમ પહેલા કોંગ્રેસ બાદમાં વિકાસ સમિતિ અને છેલ્લે ભાજપે ગાદી સાંભળતા જ ચૂંટણી સમયે કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર સભ્યો સહિતના ૧૮ સભ્યોએ વર્તમાન શાસકો લઘુમતીમાં હોવાનું જણાવી રિકવિજેશન બેઠક બોલાવવા માંગ કરતા મોરબી પાલિકામાં ભુકંપ આવ્યો છે.

મોરબી નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવનાર કોંગ્રેસના ૧૨ સભ્યો બળવો કરી વિકાસ સમિતિ રચી શાસન ધૂરા સાંભળ્યા બાદ પુનઃ બળવાનો બંડ પોકારી કેટલાક સભ્યો ભાજપ ભેગા ભળી જતા પાલિકામાં ભાજપ સતા સ્થાને આવ્યું હતું ત્યારે ફરી એક વખત કોંગી સભ્યો પાર્ટી લાઈનમાં આવી કોંગ્રેસમાં ઘર વાપસી કરતા નગર પાલિકામાં ભૂકંપ આવ્યો છે અને વર્તમાન શાસકો લઘુમતીમાં મુકતા પાલિકાના ૧૮ સભ્યોએ રિકવિજેશન બેઠક બોલાવવા માંગ ઉઠાવી છે.

- text

વધુમાં પૂર્વ પાલિકા પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ સહિતના ૧૮ સભ્યોએ સહી કરી રિકવિઝિશન બેઠક બોલાવવા માંગ ઉઠાવી પાલિકાના વર્તમાન સતાધીશો લઘુમતીમાં હોવાનું જણાવવા ઉપરાંત શહેરમાં સફાઈ, લાઈટ, પાણી સાહિતની જાહેર સુખકારીની પરિસ્થિતિ વણસી હોવાનો આરોપ લગાવ્યો છે.

નગરપાલિકાના પ્રમુખને સંબોધી લખાયેલ આ રિકવિઝિશન બેઠક અંગેનો પત્ર ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને મોકલવામાં આવ્યો છે અને મોરબીની પ્રજાના હિતમાં તાકીદે રિકવિઝિશન બેઠક બોલાવવા માંગણી ઉઠાવવામાં આવી છે.

નોંધનીય છે કે મોરબી પાલિકાના કુલ ૧૩ વોર્ડમાં ૫૨ સભ્યો છે જે પૈકી ગત ચૂંટણીમાં કોંગ્રેસના ૩૨ અને ભાજપના ૨૦ સભ્યો ચૂંટાયા હતા અને સતાની સાઠમારીમાં ૧૨ સભ્યો વિકાસ સમિતિમાં ગયા હતા અને હવે કોંગ્રેસમાં ૮ સભ્યો એ ઘરવાપસી કરતા પુનઃ કોંગ્રેસ બહુમતીમાં આવી ગઈ છે.

આમ, વિધાનસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસના ૮ સભ્યો પુનઃ કોંગ્રેસમાં જતા રહતા શાસન પરિવર્તન નિશ્ચિત મનાતું હતું અને આ રિકવિઝિશનની માંગણી બાદ આ વાત સ્પષ્ટ બની છે.

- text