યાત્રાધામ માટેલનો રોડ ૧૫ દિવસમાં રીપેર ન થાય તો આંદોલન : જિલ્લા કલેકટરને આવેદન

- text


ઢુંવા – માટેલ રોડ પર ફેકટરી ધરાવતા સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા રસ્તો રીપેર કરવા અલ્ટીમેટમ અપાયું

મોરબી:પવિત્ર યાત્રાધામ માટેલ જવા માટેના રોડની હાલત અત્યંત બદતર બની જતા આ મામલે સતત રજૂઆતો બાદ પણ ગેરંટીવાળા રોડનું રીપેરીંગ કામ હાથ ધરવામાં ન આવતા અંતે સીરામીક ઉધોગકારો દ્વારા ૧૫ દિવસમાં રોડ રીપેર ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેકટરને સુપરત કર્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલ ખોડીયારધામ જવા માટેના મુખ્ય માર્ગને બે વર્ષ પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે નવો બનાવાયા બાદ ભયંકર ભ્રષ્ટાચારના પાપે બે વર્ષમાં આ રોડ હતો ન હતો થઈ જતા ઢુંવા,માટેલ-વિરપર,અને લકકડધારના ગ્રામજનો અને આ વિસ્તારમાં ફેક્ટરીઓ ધરાવતા ઉધોગપતિ હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે વખતો વખતની લેખિત રજુઆત બાદ પણ આ માર્ગ રીપેર ન થતા આજે મોરબી જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી ૫૦ થી વધુ ઉદ્યોગકારો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રધાન મંત્રીની આદર્શ ગ્રામ યીજના હેઠળ આદર્શ સાંસદ ગ્રામ હેઠળ આવે છે (માત્ર કાગળ ઉપર) ઢુંવાથી માટેલ સુધી નો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેઘા ઇન્ફો.પ્રા.લી. નામની કંપનીને કોન્ટ્રાકટ આપી બનાવવામાં આવ્યો હતો અને એપ્રિલ ૨૦૧૫ માં રોડ નું કામ પૂરું થયાનું બોર્ડ લગાવી સરકાર દ્વારા આ રસતાને આગલા પાંચ વર્ષ માટે સમાર કામના રૂપિયા ૫૫ લાખથી વધુ ચૂકવવમાં આવ્યા છે.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે બનેલા આ રોડ ને હજુ બે વર્ષ માંડ પુરા થયા છે ત્યાં જ રોડ નેસ્ત નાબૂદ થયો છે આ સંજોગોમાં રોડ બનવવા ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાની બદબુ આવી રહી છે અને તેથી જ માર્ગ મકાન વિભાગ આ મામલે ચૂપ બેઠું છે અન્યથા આ રોડનું સમારકામ કરવા સરકારે કોન્ટ્રાક્ટરને ૫૫ લાખ વધારાના આપ્યા હોવા છતાં ગેરંટી પિરિયડમાં જ રોડ ગાયબ થતા કોન્ટ્રકતેને જવાબદાર ગણી પગલાં ભરવા જોઈએ.
દરમિયાન આ મામલે ઉદ્યોગપતિઓ દ્વારા આજે જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી ઉપરોક્ત તમામ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક રોડ બનાવવા માંગ કરી હતી.રજુઆતમાં જણાવાયા મુજબ માટેલ રોડ ઉપર ૧૦૦ થી વધુ ફેક્ટરીઓ આવેલી છે ઉપરાંત ખોડિયાર માતાજીના મંદિરે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ની આવન-જાવન રહેવાની સાથે અહીં કારખાનામાં કામ કરતા અનેક પરિવારો,વિદ્યાર્થીઓ ઉબળ ખબડ રોડને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે અને ભયંકર ધૂળ ઉડવાને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકશાનની ભીતિ છે તેમજ રોજે રોજ અકસ્માતો સર્જાતા હોય ગેરંટી વાળા આ રોડને તાકીદે નવો બનાવવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

- text

માટેલ પવિત્ર યાત્રાધામ હોય માટેલ રોડ પર ચાલીને જતા પદયાત્રીઓની હાલત દયાજનક હોવાથી આજે આખરીનામું આપી છેલ્લી વાર રજુઆત કરી તંત્રને  પવિત્ર યાત્રાધામના ગેરંટીવાળા રોડનું રીપેરીંગ કામ યાદ કરાવવામાં આવ્યું છે. જો ૧૫ દિવસમાં આ માર્ગનું સમારકામ ચાલુ નહિ થાય તો ઉગ્ર આંદોલની પણ ઉદ્યોગપતિઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

આજની રજુઆતમાં સીરામીક ઉદ્યોગકારોમાં હરેશભાઇ બપોલિયા, નિલેશભાઈ રાણસરિયા અને ભરતભાઇ પટેલ સહિતના આગેવાનો સાથે ૫૦ થી વધુ ઉદ્યોગકારો જોડાયા હતા.

અઠવાડિયામાં રીપેર ન થાય તો કોન્ટ્રકટરના ખર્ચે રસ્તો રીપેર કરાશે : કલેકટર પટેલ

મોરબી : માટેલ ઢુંવા રોડ રીપેર કરવાની માંગ સાથે ઉદ્યોગપતિઓ દ્વારા ૧૫ દિવસનું અલ્ટીમેટમ સાથે આવેદનપત્ર સુપરત કરાતા જિલ્લા કલેકટર પટેલે અઠવાડિયામા જ રસ્તો રીપેર કરવા ખાતરી આપી આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને સૂચના આપી દેવામાં આવી હોવાનું ઉદ્યોગકારોને જણાવ્યું હતું, જો કે ઉદ્યોગકારો દ્વારા આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન આપી આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.

હવે જોવું એ રહ્યું કે અઠવાડિયા કે પંદર દિવસમાં રસ્તો રીપેર કરવાનું કામ ચાલુ થાય છે કે કેમ ?

- text