મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં મતદારોનું ઉત્સાહ પૂર્વક મતદાન શરૂ

- text


મતદાન શરૂ થતાં જ મતદારોએ કતારો લગાવી : શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીંગુ મતદાન

મોરબી : વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબકકામાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં આજે સવારથી મતદાન શરૂ થતાં જ જાગૃત મતદારો દ્વારા વહેલી સવારથી જ મતદાન મથકો પર કતારો લગાવી ઉત્સાહભેર મતદાન કરવામાં આવી રહ્યું છે.

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમા મોરબી-માળીયા બેઠકમાં ભાજપના સીટીંગ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને કોંગ્રેસના બ્રિજેશ મેરજા વચ્ચે સીધો જ ચૂંટણી જંગ છે તો પડધરી-ટંકારા બેઠક પર ભાજપના જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ લલિતભાઈ કગથરા વચ્ચે કસોક્સની મતોની લડાઈ છે અને વાંકાનેર બેઠકમાં કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદા અને વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઇ વચ્ચેના ચૂંટણી જંગમાં ભાજપના નારાજ અને મજબૂત આગેવાન મેદાને આવતા અહીં ત્રિપાખિયો જંગ ખેલાઈ રહ્યો છે.

મોરબી જિલ્લામાં ઓવરઓલ ચૂંટણી ચિત્ર જોઈએ તો કુલ ત્રણ વિધાનસભા બેઠકોમાં ૭,૨૫,૦૦૦ મતદારો ૮૮૦ મતદાન મથકો ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વિધાનસભા ચૂંટણી લડતા ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં કેદ કરશે.

આજે સવારે મોક ડ્રિલ પૂર્ણ થયા બાદ મોરબી શહેરના તમામ મતદાન મથકો પર લોકોએ મતદાનપર્વ ઉજવવા જાગૃત બનીને ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું શહેરી વિસ્તારની જેમ જ ગ્રામ્ય વિસ્તારો માં પણ જાગૃત મતદાતા અને એક દિવસના રાજા એવા મતદારોએ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.

- text

સવારથી મોરબી જિલ્લામાં મતદાન મથકો પર મતદારોની કતારો જોતા મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં સરેરાશ ૫૫ થી ૬૦ ટકા મતદાન થાય એવું જણાઈ રહ્યું છે.

જિલ્લામાં શાંતિપૂર્વક મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સંવેદનશીલ મતદાન મથકો અર્ધલશ્કરી દળોને હવાલે કરી માઈક્રોઓબ્ઝર્વર દ્વારા બારીકાઈ પૂર્વક નજર રાખવામાં આવી રહી છે.

દરમિયાન મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઈ.કે.પટેલે જિલ્લાના તમામ મતદારોને જાગૃત બની નિર્ભિકપણે મતદાન કરવા અપીલ કરી હતી.

સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રાજયમંત્રી કવાડિયા અને ભાજપ – કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કર્યું

મોરબી : વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે યોજાયેલ મતદાન પર્વમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રાજયમંત્રી જયંતીભાઈ કવાડિયા અને કાંતિલાલ અમૃતિયા, રઘુભાઇ ગડારા તેમજ ચમનપર ખાતે બ્રિજેશભાઈ મેરજા સહિતના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન કર્યું હતું.

 

 

- text