યાદ રાખજો પહેલીવાર એવો અવસર આવ્યો છે કે દિલ્હીમાં તમારો જણ બેઠો છે : નરેન્દ્ર મોદી

- text


કોંગ્રેસના જીએસટી ઉપરના વિચારો એટલે ગ્રાન્ડ સ્ટુપીડ થોર્ટ  : કોંગ્રેસ પર મોદીના આકરા પ્રહારો

મોરબી : આજે વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે મોરબી આવેલા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના વિચારોને જીએસટી સાથે સરખાવી જીએસટીની નવી પરિભાષા આપતા કહ્યું હતું કે કોંગ્રેસના વિચારો એટલે ગ્રાન્ડ સ્ટુપીડ થોર્ટ , આ તકે મોરબીના મતદારોને સંબોધતા નરેન્દ્ર મોદીએ વિકાસને મત આપવા અપીલ કરી દિલ્હીમાં તમારો જણ બેઠો હોવાનું યાદ રાખવાની માર્મિક ટકોર કરી હતી.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી જિલ્લાની મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેર વિધાનસભા બેઠકોના ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે અત્રેના પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. આ તકે મોદીએ મોરબી સાથેની જૂની યાદોને તાજી કરી ૧૧ ઓગષ્ટ ૧૯૭૯ ની મચ્છુ જળ હોનારત વખતની કપરી ઘડીની જાણ થતાં પળનોય વિલંબ કર્યા વગર ૧૩ મીએ મોરબી પહોંચી ગયા હતા અને એક મહિના સુધી મોરબીમાં મૃતકોના અગ્નિસંસ્કાર કરી, પશુઓના મૃતદેહોનો નિકાલ કરી મુશ્કેલીની ઘડીમાં રાત દિવસ જોયા વગર કામ કર્યું હોવાનું જણાવી મતદારોને કહ્યું હતું કે મુશ્કેલ ઘડીમાં સાથ આપે એનો સાથ આપજો !

વધુમાં વડાપ્રધાન મોદીએ ગુજરાતની તાસીર જણાવતા કહ્યું હતું કે ખમીરવંતા ગુજરાતીઓ આફ્તમાં પણ અવસર શોધી લે છે એટલે જ તો મચ્છુ હોનારત હોય કે કચ્છ-મોરબીને હચમચાવતો ભૂકંપ હોય કુદરતી આપદા સામે બાથ ભીડી આફતો પછી ગુજરાત બમણા જોરે બેઠું થયું છે જે આજે કચ્છ અને મોરબીના સિરામિક ઉદ્યોગનો વિકાસ જોતા દેખાય આવે છે.

આ તકે વડાપ્રધાન મોદીએ ગુજરાત મોડેલ દેશના અન્ય રાજ્યોથી કેમ અલગ પડે છે તેનો ચિતાર ઉદાહરણ સાથે આપતા જણાવ્યું હતું કે ભૂકંપ પછીનું લાતુર જોવો, કેદારનાથની આભ ફાટવાની ઘટના જુઓ, ઓરિસ્સા આંધ્રપ્રદેશના વાવાઝોડા જુઓ કે પછી જમ્મુ કાશ્મીરનો ભૂકંપ જુઓ અને આ બધાની આ સરખામણીએ સૌરાષ્ટ્ર કચ્છને હચમચાવી નાખનાર ભૂકંપ બાદ કચ્છ સૌરાષ્ટ્રનો વિકાસ જુઓ તો આપો આપ ખબર પડશે કે ગુજરાત મોડલ શુ છે.

વધુમાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા ઉમેર્યું હતું કે આ દેશ ઉપર ૭૦ વર્ષ સુધી એક જ કુટુંબે રાજ કર્યું છે અને હવે મલાઈ ખાવા ગુજરાત આવવું છે, ગુજરાત આવીને આ લોકોને અનાપ-શનાપ બોલવું છે શું હું એમને અહીં ઘુસવા દઉં…. આ ચોર લૂંટારાઓએ દેશને લૂંટયો અને હજી લૂંટવો છે પરંતુ ભારતીય જનતા પક્ષ એ નહિ થવા દે.

મોરબીની જાહેરસભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સતા ઉપર આવવા માટે બધી ચીજો પર ૧૮ ટકા જીએસટી રાખવાના વાયદા કરે છે ત્યારે કોંગ્રેસના આ નવા બુદ્ધિ જીવીઓ સરખામણી જીએસટી એટલે કે ગ્રાન્ડ સ્ટુપેડ થોર્ટ (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નહીં) ગણાવ્યા હતા. અને કહ્યું હતું કે આ મૂર્ખ લોકો મીઠા ઉપર પણ ૧૮ ટકા અને લકઝરી પાંચ કારોડની ગાડી ઉપર પણ ૧૮ ટકા અને અત્યારે શરાબ ઉપર અને સિગારેટ ઉપર જે ઉંચો ટકા ટેક્સ છે તેને ઘટાડી લોકોને કેન્સરના મુખમાં ને દારૂના નશામાં નાખવા માંગે છે અને કોંગ્રેસ ગરીબોના ભોગે અમીરોને ખુશ કરવા માંગતી હોવાનો આરોપ લગાવ્યો હતો.

- text

દરમિયાન નરેન્દ્ર મોદીએ લાખા વણઝારાની વાવડીની વાત યાદ કરાવી કહ્યું હતું કે ભાજપ સરકારે નર્મદા યોજના અને સૌની યોજના થકી ગુજરાતની જનતા માટે પાણીની મુખ્ય સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યું છે ત્યારે આપણે ત્યાં જો કોઈ પાણીની પરબ બંધાવી હોય તો પણ પેઢી દર પેઢી સુધી તેમને યાદ કરી ઉપકાર ભૂલતા નથી તો આવનાર સો વર્ષ સુધી ભાજપની આ સુખાકારી માટેની યોજના ન ભૂલી ભાજપને જ મત આપવો જોઈએ તેવું મતદારોને આગ્રહ પૂર્વક કહયું હતું.

વડાપ્રધાન મોદીએ એકાદ કલાક સુધી કરેલા પોતાના પ્રવચનના અંતે મોરબી જિલ્લાની જનતા ને અપીલ કરતા જણાવ્યું હતું કે ગુજરાતી કોઈ દિવસ ખોટનો ધંધો ન કરે એટલું યાદ રાખોજો કે દિલ્હીમાં પણ તમારો જણ બેઠો છે,બે હાથમાં લાડુ છે અને પાંચેય આંગળીઓ ધી મા છે એટલે તમે વિકાસના કામ માટે વોટ આપજો ૭૦ વર્ષના કુસાશનના પાપે નાની-મોટી તકલીફ તો રહેવાની પણ પહેલીવાર ગુજરાત અને દિલ્હીમાં ગુજરાતની સરકાર છે એ ન ભૂલતા.

 

મચ્છુ હોનારત વખતે આરએસએસ કાદવ ખૂંદતું હતું અને ઈન્દિરાજી મો પર રૂમાલ બાંધી ફરતા હતા : મોદી

મોરબી : આજે મોરબી ખાતે યોજાયેલ જાહેર સભામાં વડાપ્રધાન મોદીએ મચ્છુ જળ હોનારતને યાદ કરી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને અને કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે એ આફતની ઘડીમાં ચિત્રલેખાએ મુખપૃષ્ઠ ઉપર એક ફોટો છાપ્યો હતો જેમાં ઈન્દિરાજી મો પર રૂમાલ બાંધ્યો હતો અને બીજા ફોટામાં સંઘ કાર્યકર્તા કાદવ ખૂંપી સેવા કામ કરતો દર્શાવ્યો હતો અને ફોટા ઉપરના લખાણમાં લખ્યું હતું કે માનવતાની મહેક અને બીજા ફોટા ઉપર લખ્યું હતું રાજકીય ગંદકી !! આવું જણાવી વડાપ્રધાન મોદીએ સંઘ ભાજપ હંમેશા લોકોની મુશ્કેલીની ઘડીમાં સાથ આપ્યો હોવાનું કહ્યું હતું.

મચ્છુ જળ હોનારત વખતે મારી વાનર સેનાએ સરાહનીય કામગીરી કરેલી : મોદી

મોરબી : મોરબીમાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે આવેલા વડાપ્રધાન મોદીએ મોરબી સાથેની જૂની યાદોને વાગોડી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની મચ્છુ હોનારત વખતની કામગીરીના વખાણ કરતા જણાવ્યું હતું કે હોનારત વખતે હું એક મહિનો રોકાયો હતો અને ત્યારે આ કાંતિલાલનું વજન માંડ ૪૫ કિલો હશે, કાંતિલાલ મારી વાનર ટોળીના મહત્વના સાથીદાર હતા અને તેમની યુવા ટીમે કપરી પરિસ્થિતિમાં રાત-દિવસ જોયા વગર લોકોની સેવા કરી હતી.

૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવી છે

મોરબી: મોરબીની જાહેર સભા વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારની ખેડૂત લક્ષી યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી ૨૦૨૨ સુધીમાં મારે ખેડૂતોની આવક બમણી કરવી છે.
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનાંની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોના કૃષિ ઉત્પાદનને વધુ ભાવ મળે તે માટે પ્રોસેસિંગ યુનિટો બનાવી ખેડૂતો પ્રોસેસ કરેલ પેદાશો વેચી વધુ કમાંણી કરે તેવી વ્યવસ્થા ગોઠવાશે આ માટે કેન્દ્ર સરકારે ૬૦૦૦ કરોડની જોગવાઈ કરી છે.

 

- text