ટંકારા બેઠકે મુખ્યમંત્રી સહિતના બબ્બે દિગગજ નેતાઓ આપ્યા છે.

- text


અઢીદાયકાથી ભાજપનું શાસન રહેશે કે પરિવર્તનનો પવન ફૂંકાશે ?

ટંકારા : આગામી ૯મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં વિજયનો તાજ કયા પક્ષને મળે એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ એ પૂર્વે ગુજરાતને કેશુભાઈ પટેલ અને વલ્લભભાઈ પટેલ જેવા બબ્બે દિગગજ નેતાઓ ભેટ ધરનાર અને સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ ભૂમિ એવી ટંકારા વિધાનસભા બેઠકનો ઇતિહાસ જોઈએ તો અહીંના મતદારોએ અપક્ષ,ભાજપ અને કોંગ્રેસને જીત અપાવી છે અને છેલ્લા અઢીદાયકામાં તો સતત ભાજપને વિજયમાળા ભેટ મળી રહી છે. જોકે રોચક રાજકીય ઇતિહાસ ધરાવતા ટંકરા પડધરી વિસ્તારની સમસ્યા ઠેરની ઠેર રહી છે.

ટંકરા બેઠક ઉપર ૧૯૬૭ માં કોંગ્રેસના વી.જે.શાહને વિજય માલ્યા બાદ ૧૯૭૨માં અપક્ષ, ૧૯૭૫માં કિંમલોપ,૧૯૮૦માં અપક્ષ ઉમેદવાર તરીકે વલ્લભભાઈ પટેલ અને ૧૯૮૫ માં ફરી પાછા વલ્લભભાઈ પટેલ કોંગ્રેસમાંથી વિજયી બન્યા હતા.

ત્યારબાદ ૧૯૯૦માં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ભાજપમાંથી વિજય મળ્યા બાદ આ બેઠક પર સતત ભાજપને વિજય મળી રહ્યો છે જેમાં ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ સુધી મોહનભાઇ કુંડારીયાનું એકચક્રી વર્ચસ્વ આ બેઠકના મતદારોએ જાળવી રખાય હતું અને ગત પેટા ચૂંટણી એટલે કે ૨૦૧૪ માં ભાજપના બાવનજીભાઈ મેતલિયાએ કોંગ્રેસના લાલિતભાઈ કગથરાને ૧૧૭૩૧ મતે હરાવી વિજય મેળવ્યો હતો.

- text

ટંકારા બેઠકે અત્યાર સુધી દિગ્ગજ નેતાઓ આપ્યા છે પરંતુ સામે તાલુકા મથકના ટંકારા અને પડધરી નામના જ તાલુકા રહ્યા છે. કોટન જીનીગ ઉદ્યોગોનો મોટા પ્રમાણમાં વિકાસ થવા છતાં પાયાની સવલતો કે ફાયરબ્રિગેડ, બસ સ્ટેન્ડ રેલવે, માર્કેટિંગ યાર્ડ જેવી સુવિધા આ તાલુકો ઝંખી રહ્યો છે. ટંકારા-પડધરી બેઠક પર સ્થાનિક ઉમેદવારને મહત્વ અપાતું નથી ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ કેવા ઉમેદવારને પસન્દ કરે છે તેના પર ચૂંટણી પરિણામોનો મદાર છે કારણ કે આ વખતે મતદારો જાગૃત થયા છે આ ઉપરાંત નોટબંધી અને જીએસટી જેવા મુદ્દા તો પાટીદાર અનામત આંદોલનના કાર્યકરો પણ આ બેઠક પર સારું એવું પ્રભુત્વ ધરાવતા હોય પડધરી ટંકારા બેઠક ભાજપ-કોંગ્રેસ અને પાસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે.

- text