વાઇબ્રન્ટ સિરામિક એક્સ્પો : વન ક્લસ્ટર વન બ્રાન્ડ કોન્સેપ્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું

ગાંધીનગર : મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ ફલક પર મુકવા આજથી શરૂ થયેલા વાઈબ્રન્ટ સીરામીક એક્સપોમાં મોરબી સીરામીક એસોસિએશન દ્વારા વન ક્લસ્ટર વન બ્રાન્ડનો નવો કોન્સેપ્ટ રજૂ કરાયો છે અને આવનાર દિવસોમાં મોરબીમાં ઉત્પાદન થતી તમામ સીરામીક પ્રોડક્ટ એક જ બ્રાન્ડથી ઘર આંગણે અને વિદેશમાં પણ એક્સપોર્ટ થશે,આજે વાઈબ્રન્ટ સીરામીક સમિટમાં આ કોન્સેપ્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આજથી ગાંધીનગરના આંગણે શરૂ થયેલ બીજી વાઈબ્રન્ટ સીરામીક સમિટમાં મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ કે.જી.કુંડારીયાએ મોરબીના સીરામીક ઉદ્યોગો માટે વન ક્લસ્ટર વન બ્રાન્ડ કોન્સેપ્ટનું બૉલીવુડ સ્ટાર જેકીશ્રોફની ઉપસ્થિતિમાં લોન્ચિંગ કરવમાં આવ્યું હતું. વન ક્લસ્ટર વન બ્રાન્ડ હેઠળ આવનાર દિવસોમાં મોરબીના અલગ-અલગ યુનિટમાં ઉત્પાદન થતી સિરામીક પ્રોડક્ટ માટે ચોક્કસ ગુણવત્તા નિયમન નક્કી કરવામાં આવશે અને ખાસ કરીને વિદેશમાં નિકાસ થતી તમામ પ્રોડક્ટમાં એક રૂપતા જળવાઈ રહે તે માટે મોરબી સીરામીક એસોસિએશન વિશેષ જવાબદારી ઉઠાવશે.

વન ક્લસ્ટર વન બ્રાન્ડ કોન્સેપ્ટ અમલી બનતા મોરબીના સીરામીક ઉત્પાદનોની અલગ જ ઇમેજ વિશ્વ સમક્ષ ઉભી થશે અને આ કોન્સેપ્ટનો ફાયદો મોરબીના ઉદ્યોગકારોને પણ મળશે.