જીએસટી ૧૮% થતા મોરબીનો સીરામીક ઉદ્યોગ ચીનને પછાડશે

- text


આખરે સીરામીક પ્રોડક્ટ પરનો જીએસટી ૨૮%માંથી ૧૮ % કરાવવામાં સિરામિક એસો.ને સફળતા મળી : મોરબીના સીરામીક ઉદ્યોગમાં ખુશીનો માહોલ

જીએસટી ઘટતા સાઉથના રાજ્યોમાં મોરબીનો વેપાર વધશે : ચાઇનાને પડશે મોટો ફટકો

મોરબી : જીએસટી કાઉન્સીલની ગઇકાલે શરૂ થયેલી બેઠક આજે પુરી થતા જ મોરબીના સીરામીક ઉદ્યોગને બહુ મોટી રાહત મળી છે. મોરબી સીરામીક એસો.ના હોદેદારોની સતત અને યોગ્ય રજૂઆતના પગલે સીરામીક ટાઇલ્સ ઉપર અત્યાર સુધી લેવાતો ૨૮% જીએસટી ઘટીને ૧૮ ટકા કરવા સરકારે જાહેરાત કરી છે.
આજે જીએસટી કાઉન્સિલ દ્વારા અનેક વસ્તુઓ પર ટેકસમાં ઘટાડાની જાહેરાત કરી છે ર૮ ટકા ટેકસ સ્લેબમાં સામેલ દૈનિક ઉપયોગી વસ્તુઓ,સાથે લોકોની મહત્વની જરૂરિયાત એવી સીરામીક પ્રોડક્ટ પર ૨૮ ટકાને બદલે ૧૮ ટકા ટેક્સ સ્લેબ અમલી બનાવવા જાહેરાત કરવામાં આવી છે. સરકારે સીરામીક પ્રોડક્ટ ઉપરનો જીએસટી ઘટાડતા મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા અને નિલેશ જેતપરીયાએ સરકારના આ પગલાંને આવકારતા જણાવ્યું હતું કે જીએસટી ઘટાડો થતા મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝને જીવતદાન મળ્યું છે કારણ કે ૨૮ ટકા જીએસટી બાદ સાઉથના પાંચ રાજ્યોમાં મોરબીની ટાઇલ્સ કરતા ચાઇનાની ટાઇલ્સ સસ્તી મળતી હોવાથી ત્યાંનો ઠપ્પ થયેલો વેપાર પુનઃ ધમધમતો થશે.
આ ઉપરાંત સીરામીક ઉદ્યોગકારોને ૨૮ ટકા ટેક્સ ચૂકવ્યા બાદ ચાર-ચાર મહિને પાકતી ઉઘરાણીમાં ટેક્સની રકમનું રોકાણ થતું હતું એ રોકાણનું પ્રમાણ ઘટી જશે.
દરમિયાન જીએસટી ઘટવાથી ટેક્સ ચોરીનું દુષણ સદંતર પણે બંધ થવાનો આશાવાદ વ્યક્ત કરતા કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે ઉંચા ટેક્સને કારણે કોઈપણ વેપારી કે ઉદ્યોગકારને ટેક્સ ચોરી કરવાની લાલચ જાગે પરંતુ ઓછો ટેક્સ હોય તો કોઈપણ ઉદ્યોગકાર ટેક્સ ચોરી બાબતે વિચારે નહીં તેમ જણાવી જીએસટી ઘટતા સરકારને ટેક્સની આવક વધશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે જીએસટી ઘટવાથી મોરબીના સીરામીક ઉદ્યોગને સૌથી મોટો ફાયદો ચાઇના સામેની લડાઈમાં મળ્યો છે હવે ભારતીય સીરામીક પ્રોડક્ટ ચાઇનાથી સસ્તી મળશે અને ખાસ કરીને મોરબીના વેચાણ વેપાર વધવાની આશા વ્યક્ત કરી હતી.
વધુમાં ર૮ ટકાના સ્લેબમાં અત્યારે રર૭ વસ્તુઓ હતી જેમાંથી ૧૧૮ ચીજ વસ્તુઓને ૧૮ ટકાના સ્લેબમાં લેવામાં આવતા દેશનું અર્થતંત્ર પુનઃ ધબકતું થવાના એંધાણ મળી રહ્યા છે. જયારે સિરામિકમાં જીએસટી ઘટાડવાના સરકારના નિર્ણયને મોરબી સિરામિક એસો.ને આવકારી ફટાકડા ફોડીને ખુશી વ્યકત કરી હતી.

- text

- text