માળીયાના છેવાડાના આંકડીયા રણ વિસ્તારમાં મતદાન જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ચૂંટણીના આ મહામુલા પર્વને ચોક્કસ પણે મતદાન કરી આપણે લોકશાહીને મજબુત બનાવીએ તેમ મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઈ.કે.પટેલે આજે માળીયા તાલુકાના હરિપર ગામના અગરિયા વસાહત ધરાવતા આંકડીયા રણ વિસ્તારમાં યોજાયેલા મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જણાવ્યું હતું.

- text

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૭ ના પ્રથમ તબક્કાનું તા.૯/૧૨/૨૦૧૭ ના રોજ મતદાન થનાર છે. જેમાં ૬૫ મોરબી મતદાન વિભાગનું પણ મતદાન થનાર છે. આ દિવસને ખાસ યાદ રાખી મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયા મતદારો કામ સાથે મતદાન પણ ચોકકસ પણે કરે તેમજ અન્યલોકોને પણ મતદાન માટે પ્રેરે તેમ પણ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પટેલે જણાવ્યું હતું.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં અગરિયા સમુદાયના મતદારોના મતદાન કરવા અંગેના સંકલ્પપત્રો પણ ભરવામાં આવ્યા હતા. તેમજ વીવીપેટ વોટીંગ મશીનનું નિદર્શન કરી મતદારોને મતદાન અંગે જાણકારી અપાઇ હતી.
આ પ્રસંગે આસીસ્ટંટ કલેકટર અને હળવદ પ્રાંત અધિકારી અજયકુમાર દહિયા, જિલ્લા શિક્ષણ અધિકારી દવેએ ચૂંટણીપંચ દ્વારા વધુને વધુ મતદાન થાય મતદાનની ટકાવારી ઉંચી જાય તે માટે આવા કાર્યક્રમો દવારા પ્રયાસ થઇ રહયા છે. તેની જાણકારી આપી હતી.
આ પ્રસંગે દરિયાકાંઠાના અગરિયા વિસ્તારમાંથી અગરિયા પરિવારજનો ઉપસ્થિત રહયા હતા.

- text