મોરબી-માળીયા વિધાનસભા બેઠકમાં સમાજવાદી પાર્ટી પણ મેદાને

- text


સમાજવાદી પાર્ટીએ સ્વચ્છ પ્રતિભા ધરાવતા પત્રકાર અને સ્થાનિક યુવા ઉમેદવાર કાસમ સુમરાને મેદાને ઉતર્યા

મોરબી : આગામી વિધાનસભા ચૂંટણીને લઈ મોરબી-માળીયા બેઠક માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે સમાજવાદી પાર્ટીનું કોંગ્રેસ સાથેનું ગઠબંધન ચૂંટણી પહેલા જ તૂટી જતા મોરબી-માળીયા બેઠક પરથી જાણીતા પત્રકાર અને માળિયાના સ્થાનિક અગ્રણી કાસમભાઈ સુમરાને ટીકીટ આપવાનું નક્કી કરતા આ બેઠક માટે નવા જ સમીકરણો રચાય તેવી શકયતા જોવાઇ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી વિધાનસભા ચૂંટણી કેન્દ્ર રાજ્યની ભાજપ સરકાર માટે લીટમસ ટેસ્ટ સાબિત થનાર છે ત્યારે જીએસટી,નોટબંધી અને પાટીદાર સમાજની નારાજગી વચ્ચે ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવાર ફાઇનલ કરાયા નથી. તો બીજી બાજુ કોંગ્રેસમાં આંતરિક કલહને કારણે હજુ સુધી ઉમેદવારો નક્કી નથી કરાયા અને ભારે ખેંચમખેંચ ચાલી રહી છે.

- text

આ બધા વચ્ચે કોંગ્રેસ સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કરનાર સમાજવાદી પાર્ટની વાતચીત પડી ભાંગતા હવે સમાજવાદી પાર્ટી લડી લેવાના મૂડ સાથે અનેક બેઠકો પરથી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને ટીકીટ આપવાનું નક્કી કર્યું છે.
જે અન્વયે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ દ્વારા મોરબી માળિયા વિધાનસભાના ઉમેદવાર તરીકે યુવા પત્રકાર કાસમભાઈ સુમરા ઉપર મહોર મારવામાં આવી છે અને આગામી સંભવિત પાંચ ડિસેમ્બરે અખિલેશ યાદવ ગુજરાત આવશે જેમા કચ્છ અથવા મોરબીની મુલાકાત લેશે. દરમિયાન મોરબી-માળીયા બેઠક પરથી ટીકીટ ફાઇનલ થવા અંગે યુવા પત્રકાર કાસમભાઈ સુમરાનો સંપર્ક સાધતા તેમણે આ વાતનો સ્વીકાર કરી આગામી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી વતી ઉમેદવારી નોંધાવનાર હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ ટુક સમયમાં જ ગુજરાતની મુલાકાતે આવનાર છે જેની તારીખ ટુક સમયમાંજ જાહેર થશે.

આમ,મોરબી-માળીયા બેઠક પર બન્ને મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં ચાલી રહેલ ગડમથલ વચ્ચે સ્વચ્છ પ્રતિભા ધરાવતા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાસમભાઈ સુમરા મેદાને આવતા આ બેઠકના સમીકરણોમાં બદલાવ આવે તેવું જાણકારો માની રહ્યા છે.

- text