મોરબી જિલ્લામાં સર્વોત્તમ શિક્ષણ પ્રદાન કરનાર બે શિક્ષકોનું સન્માન

- text


જ્ઞાનકુંજ પ્રોજેકટ અન્વયે બે શાળાઓને ૫૦-૫૦ ટેબ્લેટ અપાયા

મોરબી : મોરબી જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરનાર બે શિક્ષકોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિક્ષક દિનના અવસરે સન્માન કરી જિલ્લાની બે શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ ૫૦-૫૦ ટેબ્લેટ આપવામાં આવ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા ગઈ કાલે વીસી ટેક્નિકલ હાઈસ્કૂલ મોરબી ખાતે રાજયમંત્રી રોહિત પટેલ, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કલેકટર આઈ.કે.પટેલ,,ડીડીઓ એસ.એમ.ખટાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લામાં બે શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રાથમિક વિભાગમાં વિરપર મચ્છુ પ્રાથમિક શાળાના શિક્ષક ભેંસદડીયા જશમતભાઇ વિરજીભાઇ અને માધ્યમિક વિભાગમાં બગથળા માધ્યમિક શાળાના કામરીયા અશોકભાઇ મહાદેવભાઇને શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરી શાલ ઓઢાળી, સન્માનપત્ર અને રૂ.૧૫ હજાર રોકડ રકમ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
વધુમાં આતકે જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ ભરતનગર પ્રાથમિક શાળા અને કે.જી.બી.વી.વિદ્યાલય માટેલ ને ૫૦-૫૦ ટેબ્લેટ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શિક્ષક અશોકભાઈએ જણાવ્યું હતું કે આ મારું સન્માન નથી પરંતુ મારા વિદ્યાર્થીઓનું સન્માન છે,મારા મતે શ્રેષ્ઠ શિક્ષક ઉચ્ચજ્ઞાન ધરાવી પ્રામાણિક વિદ્યાર્થીઓને ભણાવવાની ધગશવાળો હોવો જોઈએ,તેમજ મારુ ઘર,મારી શાળા અને પર્યાવરણ નું જતન એ જ મારી ચારધામની જાત્રા છે, આ તકે અન્ય શિક્ષકોએ પણ પોતાનું વક્તવ્ય આપી તેમના ગામના બાળકો ખાનગી શાળામાં ભણવા ન ગયા હોવાનું ગૌરવ લીધું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના નાયબ શિક્ષણ સચિવશ્રી આર.પી.જોષી, જીલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી દવે તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

- text