મોરબી-રાજકોટ હાઇવે ટ્રાફિક પોલીસનું વિસર્જન કરી નાંખતા રેન્જ આઈજી

- text


સુરેન્દ્રનગર જિલ્લા પોલિસવડા અને રેન્જ આઈજી વચ્ચે ચાલતા ગજગ્રાહમાં હાઇવે પર ટ્રાફિક નિયમન,ચેકીંગ અને ઉઘરાણા બંધ કરવા નિર્ણયથી પોલીસ બેડામાં ખળભળાટ

મોરબી : રાજકોટ રેન્જ આઈજી દ્વારા ચોંકાવનારો નિર્ણય લઈ રાજકોટ,મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇવે ટ્રાફિક ટીમનું વિસર્જન કરી નાખવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે દર મહિને લાખો રૂપિયાનું ઉઘરાણી કરી ટોપ ટુ બોટમ અધિકારીઓ અને રાજકીય આગેવાનોને સાચવી લેતી પોલીસબેડાની આ મહત્વપૂર્ણ મલાઈદાર બ્રાન્ચ એક જ ઝાટકે બંધ થવા પાછળ પણ ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે.
જાણવા મળતી વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં જે-તે રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ જિલ્લા મથક દીઠ હાઇવે ટ્રાફિક પોલીસની ટીમો બનાવી આ ટીમોને હાઇવે પર ચેકીંગ અને ટ્રાફિક નિયમનની જવાબદારી સોંપવમાં આવી છે .જે અંતર્ગત રાજકોટ રેન્જ આઈજી દ્વારા પણ હાઇવે ટ્રાફિક બ્રાન્ચ હેઠળ મોરબી-રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં હાઇવે ટ્રાફિકની ટીમો બનાવવામાં આવી હતી.અને ટિમો દ્વારા સતત હાઇવે પર રહી ચેકીંગની સાથો સાથ દરરોજ એક-એક ગાડી દીઠ ચોક્કસ રકમનું ઉઘરાણી કરી ટોપ ટુ બોટમ સુધી તમામ ને સાચવી લેવમાં આવતા હતા.
દરમિયાન રાજકોટ રેન્જ આઈ જી દ્વારા અચાનક જ સુરેન્દ્રનગર,રાજકોટ અને મોરબી હાઇવે ટ્રાફિકને વિખેરી નાખી ગણપતિ વિસર્જન પહેલાજ ટીમોનું વિસર્જન કરી નાખવામાં આવતા હાઇવે ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલિસ કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ છે હાલ હાઇવે ટ્રાફિકના તમામ કર્મીઓને જે તે પોલીસ મથક ને હવાલે મૂકી દેવામાં આવ્યા છે.
હાઇવે ટ્રાફિક બ્રાન્ચના વિસર્જન પાછળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા અને રેન્જ આજી વચ્ચે ચાલતો ગજગ્રાહ કારણભૂત હોવાનું પોલીસસૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા ગત તારીખ 26 ઓગષ્ટના દિવસે હાઇવે ટ્રાફિક ટીમનું વિસર્જન કરવામાં આવ્યું હતું,મોરબી જિલ્લામાં હાઇવે ટ્રાફિકની ત્રણ બોલેરો દિવસ-રાત પેટ્રોલિંગ કરી ખનીજ ચોરો,બુટલેગરોને ઝડપી લેવા ઉપરાંત ટ્રાફિક નિયમનની મહત્વની કામગીરી કરી ઉપરી અધિકારીઓ માટે કમાઉ દિકરાથી વિશેષ કામ કરતી હતી પરંતુ હાઇવે ટીમોનું અકાળે વિસર્જન થતા કઈ કેટલાય પોલીસ કર્મીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. બીજી તરફ હાઇવે ટ્રાફિકના વિસર્જન બાદ જિલ્લા ટ્રાફિક બ્રાન્ચ ગેલમાં આવી ગઈ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text