શિક્ષક દિને જ ગાંધીનગરમાં ધરણાનો ધોકો પછાડશે પ્રાથમિક શિક્ષકો

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ મોરબી જિલ્લાના ૬૦ શિક્ષકો ધરણામાં જોડાશે

મોરબી:પોતાની પડતર માંગણી પ્રશ્ને રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોએ આગામી ૫ મી સપ્ટેમ્બરે શિક્ષક દિને જ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરવા નક્કી કર્યું છે. આ ધરણામાં મોરબી જિલ્લામાંથી ૫૦ શિક્ષક ભાઈઓ અને ૧૦ શિક્ષકબહેનો જોડાશે.
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ સરડવાના જણાવ્યા મુજબ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની બેઠકમાં મળેલી સૂચના અન્વયે અગાઉ ૨૧ ઓગષ્ટના રોજ જિલ્લા સ્તરે પડતર માંગણી સંદર્ભે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા બાદ હવે બીજા તબક્કામાં રાજ્ય લેવલે ધરણા કરવા નક્કી કરાયું છે. જે અંતર્ગત આગામી ૫સપ્ટેમ્બરેના રોજ ગાંધીનગર પથિકાશ્રમ ઉપવાસી છાવણી ખાતે સવારે ૧૦.૩૦ કલાકે ધરણા કરવામાં આવશે.
વધુ માં શિક્ષક દિને રાજ્યપાલના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહ બાદ આ ધરણા કાર્યક્રમ યોજાશે.
દરમિયાન આ ધરણા કાર્યક્રમમાં મીરબી જિલ્લાને ૬૦ શિક્ષકોનો ટાર્ગેટ અપાયો હોય તમામ શાળા ઘટકોને ધરણામાં ભાગ લેવા જનાર શિક્ષક ભાઈઓ-બહેનોની યાદી ૩૧ ઓગષ્ટ સુધીમાં મોકલી આપવા જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ મણિલાલ સરડવા તથા મહામંત્રી યુસુબભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.