રાજકોટ-મોરબી હાઇવે ફોરલેન પ્રોજેકમાં બે હજાર વૃક્ષોનું નિકંદન નીકળી જશે

- text


ટેન્ડર નિયમ મુજબ રોડની મધ્યરેખાથી 13 મીટર સુધીના જ વૃક્ષો કાપવા આદેશ છતાં કોન્ટ્રાકટર આડેધડ વૃક્ષો કાપતા વન વિભાગ લાલઘૂમ

મોરબી : રાજકોટ-મોરબી હાઇવેને ફોરલેન બનવવાનો પ્રોજેકટ શરૂ થવાની તૈયારી છે ત્યારે રસ્તાની બંને બાજુએ આવેલા અંદાજે બે હજાર જેટલા વૃક્ષોનું નિકંદન નીકળી જશે. હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વન વિભાગ મારફતે વૃક્ષો કાપવાનો કોન્ટ્રાકટ આપી વૃક્ષો કાપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ કોન્ટ્રાકટર નિયમભંગ કરી આડેધડ વૃક્ષો કાપવાનું શરૂ કરતાં વનવિભાગ લાલઘૂમ થયું છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે ને ચારમાર્ગીય બનાવવા માટેનો કોન્ટ્રાકટ ફાઇનલ થઈ ગયો છે અને ટુક સમયમાં જ વિધિવત ખાતમુહરત બાદ જોરશોરથી કામ શરૂ થનાર છે. એ પૂર્વે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બંને તરફ આવેલા વૃક્ષો કાપવા માટે વનવિભાગ હસ્તક જંગલ કટિંગની કામગીરી શરૂ કરાવી છે.
દરમિયાન વન વિભાગ દ્વારા રાજકોટની પાર્ટીને જંગલ કટિંગનો કોન્ટ્રાકટ આપયો છે. જેમાં રોડની બંને તરફના બે હજાર જેટલા વૃક્ષો કાપી લાકડા લઇ જવાનું કામ સાડાપાંચ લાખમાં આપવામાં આવ્યું છે. પરંતુ આ કોન્ટ્રાકટર દ્વારા ટેન્ડરના નિયમનું ઉલ્લંઘન કરી રોડની મધ્યરેખાથી 13 મીટર અંતરમાં આવતા વૃક્ષોને બદલે વધારાના વૃક્ષો કાપતો હોવાની ફરિયાદ મળતા ટંકારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કથીરિયા દ્વારા કોન્ટ્રાક્ટરને ઠપકો આપી નિયમ વિરુદ્ધ એક પણ વૃક્ષ કાપશે તો આકરા દંડ અને કાનૂની પગલાં ભરવા કડક સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં કોન્ટ્રાકટર દ્વારા કોઈપણ જાતના સુપર વિઝન વગર માત્ર મજૂરોના ભરોસે જ વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વધુ લાકડાની લાલચે કોન્ટ્રાક્ટના માણસો આડેધડ વૃક્ષો કાપી રહ્યા હોય આ મામલે પર્યાવરણ પ્રેમી સંસ્થાઓએ પણ આ મુદ્દે ઉચકક્ષાએ રજુઆત કરવા તૈયારી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ-મોરબી હાઇવે પર જંગલ કટિંગ એટલે કે વૃક્ષ છેદન અંગે ટંકારા ફોરેસ્ટ ઓફિસર કથીરિયાએ જણાવ્યું હતું કે કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ મળતા હાલ વન વિભાગ દ્વારા ચેકીંગ વધારી દેવામાં આવ્યું છે અને જો એક પણ વૃક્ષ નિયમ વિરુદ્ધ કાપવામાં આવશે તો આકરો દંડ અને ફોરેસ્ટ વિભાગના નિયમ મુજબ કાનૂની પગલાં ભરવામાં આવશે.

- text