લેક્ષસ ગ્રાનિટોનું શેરબજારમાં ધમાકેદાર લિસ્ટિંગ : પહેલા જ દિવસે શેરમાં ૨૦%નો ઉછાળો

આઇપીઓને અદભુત પ્રતિસાદ સાથે અમદાવાદ ખાતે લિસ્ટિંગ સેરેમનીમાં રોકાણકારોનો આભાર માનતા કંપનીના ડાયરેક્ટર : લિસ્ટિંગ સાથે ૨૦% ઉછાળો

મોરબી : મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાંથી પહેલી વહેલીવાર શેરબજારમાં પ્રવેશેલી લેક્ષસ ગ્રાનિટો (ઇન્ડિયા) લિમિટેડના આઇપીઓ બાદ આજે લિસ્ટિંગ થતા જ રોકાણકારોને સીધો જ ૨૦% ઉછાળાનો લાભ મળ્યો છે. રૂ ૪૫ના ભાવે ઓફર થયેલા શેરનું આજે લિસ્ટીગ થતા જ ભાવ સીધો રૂ.૫૪ થયો હતો અને લાવ-લાવ ના માહોલ માં ૬લાખ સેલરો સામે ૨૦ લાખ બાયરો આવતા સરકીટ લાગી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાંથી સૌ પ્રથમ વાર ભારતીય શેરબજારમાં આઇપીઓ લાવનાર લેક્ષસ ગ્રાનિટો (ઇન્ડિયા) લિમિટેડ કંપનીનો ઇસ્યુ બહાર પડતા જ રોકાણકારોએ ત્રણ જ દિવસમા આઇપીઓ 35.46 ગણો છલકાવી દઈ 917 કરોડનું ભરણું એકત્રિત કરી આપી બીએસઇ અને એનએસઇમાં રેકોર્ડ સર્જ્યો હતો.
દરમિયાન આજરોજ અમદાવાદ ખાતે હોટેલ ફોર્ચ્યુન લેન્ડમાર્ક ખાતે લિસ્ટિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના ડાયરેકટર બાબુભાઇ પટેલ,હિતેશભાઈ પટેલ અને અગ્રણી આગેવાનોમાં અજંતાગ્રુપના જયસુખભાઈ પટેલ તેમજ એસ.એન.કાબરા, કે.એન.કાબરા સહિતના મોટા ઇન્વેસ્ટરો હાજર રહ્યા હતા. આ તકે કંપનીના ડાયરેકટર હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઇન્વેસ્ટરોએ અમારા પર મુકેલા ભરોસાનું આજે સુંદર પરિણામ લિસ્ટિંગમાં જોવા મળ્યું છે. આવનાર દિવસોમાં કંપની હજુ પણ વધુને વધુ પ્રગતિ કરી રોકાણકારોના રોકાણનું ઉચ્ચતમ વળતર આપવા કટ્ટીબધ છે. અમારા પર રોકાણકારોએ મુકેલો વિશ્વાસ વધુ મજબૂત થશે.
આમ, લેક્ષસ ગ્રેનિટો (ઇન્ડિયા) લિમિટેડના ભારતીય શેરબજારમાં પ્રવેશની સાથે જ મોરબીના સીરામીક ઉધોગમાં નવા ઉત્સાહના સંચાર સાથે ઉજળા સંજોગો ઉભા થયા છે.