મોરબીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને કલેકટર તથા પાલિકા કચેરીમાં લોકોનો મોરચો

શિવ સોસાયટીના લોકોની બિસ્માર રોડના પ્રશ્ને પાલિકા તથા નવલખી રોડ પરની સોસાયટીની મહિલાઓની વરસાદી પાણી અને કિચડ મામલે કલેકટરને રજૂઆત

મોરબી : મોરબીના સાયન્ટીફીક વાડી વિસ્તારની સોસાયટીના બિસ્માર રોડ પ્રશ્ને આજે લોકોએ પાલિકામાં રજૂઆત કરી હતી. જયારે નવલખી રોડ પરની સોસાયટીની મહિલાઓ વરસાદી પાણી તથા કિચડ પ્રશ્ને કલેકટરને રજૂઆત કરી આ બાબતે સમયસર યોગ્ય પગલા લેવાની માંગ કરી હતી.
સાયન્ટીફીક વાડી વિસ્તારમાં આવેલી શિવ સોસાયટીના ૧૦૦ થી વધુ સ્ત્રી પુરુષનું ટોળું આજે પાલિકામાં આવી સૂત્રોચ્ચારો કરી આવેદન આપીને જણાવ્યું હતુકે, થોડા સમય પહેલા સાયન્ટીફીક વાડી તરફ જતો રોડને નવો આરસીસી રોડ બનાવ્યો હતો. પરંતુ આ રોડ નર્મદા હોલ સુધી જ બનાવ્યો હતો. અને નર્મદા હોલથી શિવ સોસાયટી સુધીનો રોડ બાકી રાખી દેવામાં આવ્યો છે. આ રોડ બિસ્માર હોવાથી લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. તેથી બાકી રાખી દેવાયેલો રોડ વહેલાસર બનાવી દેવાની માંગ કરી છે.તેમજ સોસાયટીના પાછળના ભાગે વોકળામાં પાણી નિકાલનો પ્રશ્ન હલ કરવાની માંગ કરી છે.
જ્યારે નવલખી રોડ ઉપર આવેલી રોયલ પાર્કમાં રહેતી મહિલાઓએ આજે કલેકટર કચેરીએ દોડી જઈને રજૂઆત કરી હતીકે, હાલ ચોમાસાની સિઝનમાં તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. અને કિચડ હોવાને કારણે અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. આ વરસાદી વાતાવરણની ગંદકીથી રોગચાળો ફેલાયો છે. તેમના વિસ્તારોમાં મેલરિયા અને ટાઈફોડનું પ્રમાણ વધ્યું છે. તેથી આ બાબતે યોગ્ય પગલાની માંગ કરી છે.