મોરબીના હોનારત પીડિતોને 38 વર્ષે’ય ન્યાય મળ્યો નથી

- text


ઘરબાર ગુમાવ્યા બાદ સરકારે અને સેવાભાવી સંસ્થાઓએ મકાન બનાવી આપ્યા પણ દસ્તાવેજ કરવમાં તંત્રએ મો ફાડયું : ગ્રાહક સુરક્ષા મંડળ મેદાને

મોરબી : મોરબી મચ્છુ હોનારતના આડત્રીસ વર્ષ વીત્યા બાદ પણ હજુ પીડિત પરિવારોને શાંતિ મળી નથી,હોનારતમાં માતા,પિતા,પતિ,પત્ની,બાળકો સહિત સર્વસ્વ ગુમાવનાર અનેક પરિવારોને જે તે સમયે સરકાર અને સેવાભાવી સંસ્થાઓએ જમીન-મકાન તો આપ્યા પણ આ મકાનોના આધાર પુરાવા આપવામાં તંત્ર આડોળાઈ કરી દસ્તાવેજ કરી આપવામાં અખાડા શરૂ કરતા હોવી ગ્રાહક સુરક્ષા મંડળ મેદાને આવ્યું છે.
મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાના જણાવ્યા મુજબ મચ્છુ હોનારતના દિવંગત લોકોને દરવર્ષે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે પરંતુ પુર હોનારતમાં બેઘર બનેલા અનેક લોકોને સ્થાનિક તંત્ર દ્વારા દાઝ્યા પર ડામ આપવાની ઉક્તિ જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે,મોરબીના હોનારત પીડિતોને જે તે સમયે સરકારે જમીન આપી અને સ્વૈચ્છીક સંસ્થાઓએ આ જમીન પર મકાન બનાવી આપ્યા આવા રોટરીનગર,રામકૃષ્ણનગર,અરુણોદય,વર્ધમાન,જનકલ્યાણ,રીલીફનગર સહિતના વિસ્તાર હાલમાં દસ્તાવેજ વગરના છે.
આ સંજોગોમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો પોતાની મરણ મૂડી સમાં મકાનોના દસ્તાવેજ માટે તંત્ર સમક્ષ આજીજી,કાકલૂદી કરે છે પરંતુ જાડી ચામડીના સરકારી બાબુઓ હોનારત પીડિતોને રાહત આપવાને બદલે 38 વર્ષ પહેલાં આપવામાં આવેલી જમીનની વર્તમાન કિંમત ભરો તો જ દસ્તાવેજ થાય તેવો જવાબ આપતા હોય મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
વધુમાં આ મામલે હવે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆતોનો દોર શરૂ કરી તમામ વિસ્તારના લોકોની મિટિંગ કરવા નક્કી કરી ચૂંટણી પહેલા આ પ્રશ્નનું નિરાકરણ લાવવાં માંગણી ઉઠાવી છે અન્યથા લડત આપવા નક્કી કર્યું છે.

- text

- text