મોરબીની યુવતીએ યુ-ટ્યુબમાંથી પ્રેરણા મેળવી અલભ્ય વસ્તુઓનું સર્જન કર્યું

- text


૨૨ વર્ષની યુવતીએ કઈક નવું કરવાની જીજ્ઞાશામાં સુષુપ્ત શક્તિઓને નવો આયામ આપ્યો

મોરબી : કુદરતે દરેક માણસમાં કઈકને કઈક સર્જનાત્મક શક્તિ મૂકી છે. પરંતુ દુનિયાથી કઈક નવું સર્જન કરવાની સતત તમન્ના હોય તો એ સર્જનાત્મક શક્તિથી અદભુત વસ્તુઓનું સર્જન થાય છે. આવી રીતે મોરબીની એક ૨૨ વર્ષીય યુવતીએ પોતાનામાં રહેલી કલાસૃષ્ટિથી અને દુનિયાથી કઈક અનોખું સર્જન કરવાની સતત તમન્નાને કારણે જાત જાતના સંશોધનો કરી તેમજ યુ-ટ્યુબ માંથી માહિતી મેળવીને અલભ્ય વસ્તુઓનું સર્જન કર્યું છે.
મોરબીના વાવડી રોડ પર આવેલી શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી દિવ્યા ભરતભાઈ મીયાત્રાએ બી.એ. પૂરું કરીને હાલ જર્નાલીઝમનો અભ્યાસ કરી રહી છે. નાનપણથી તેને કલાસૃષ્ટિમાં બેહદ રૂચી છે. એટલે જ તેને કારકિર્દીમાં પણ આર્ટસ ફેકલ્ટી પસંદ કરી છે. પ્રાથમિક શિક્ષણ દરમિયાન ચિત્ર કળામાં વિશેષ શોખને કારણે તેણે અનેક પ્રમાણપત્રો મેળવ્યા હતા. તેમજ કોલેજમાં ત્રણ વર્ષ નેઈલ આર્ટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તેની અંદર રહેલી કલાસૃષ્ટિ ધીરે ધીરે વધુ જાગૃત થતા તેને દિન પ્રતિદિન નવું નવું કરવાની ખોજ કરતી રહી અને તેની આ માટેની શોધ તથા મહેનતને કારણે તેની કલા સૃષ્ટિને નવી દિશા મળી હતી. અભ્યાસના વેકેશનના ગાળામાં તેને માત્ર ૧૫ દિવસ પોતાની સહેલી પાસેથી અલભ્ય વસ્તુઓને કેવી રીતે સર્જન કરવું તે માટે ” લામાસા “ની જીર્ણવટ ભરી માહિતી મેળવી હતી. લામાસાનો કોઈ જગ્યાએ કોર્ષ કર્યો નથી. પરંતુ પોતાની સૂઝ બુઝને કારણે લામાસાની ધીરે ધીરે એક પછી એક વસ્તુઓનું સર્જન કરતી ગઈ અને આ વસ્તુઓનું સર્જનમાં એટલી ઓતપ્રોત થઇ ગઈ હતી કે દરેક વખતે કઈક નવું નવું સર્જન કરતી જે જોઇને તેના ઘરના સભ્યો પણ આશ્ચર્ય ચકિત થઇ જતા હતા.
દિવ્યાએ પોતાના ફુરસદના સમયમાં લામાસામાંથી ફોટો ફ્રેમ, શોપીસ , છોકરીઓને કાનમાં પહેરવાની બુટી, બ્રેસલેટ થી લઈને ડેકોરેશનની તમામ નાની મોટી ચીજ વસ્તુઓ બનાવી છે. આ બધી વસ્તુઓ બનવા માટેનું મટીરીયલ બહારથી લઇ આવતી પરતું હવે તે જાતે જ લામાસાનું મટીરીયલ ઘરે તૈયાર કરે છે. પેપર અને દોરાથી છોકરીઓ માટે તે ઘરેણા બનાવે છે તેવા તો બજારમાં પણ નથી મળતા. આ સાથે તેમાં ડાયમંડ, મોતી, સ્ટોન વગેરેથી સુશોભન કરે છે. પોતાની આ અનોખા ગુણ વિશે, દિવ્યા મોરબી અપડેટ સાથે વાત કરતા કહે છે કે મારામાં રહેલી કલાની ઝંખનાને કારણે આ વસ્તુઓ બનાવી શકુ છું. મેં યુ- ટ્યુબ પરથી ઘણી બધી માહિતીઓ એકઠી કરીને મે મારા શોખને આ અવનવી સુશોભનની વસ્તુ બનાવીને વાચા આપી છે.

- text