કોર્ટના સમન્સની અવગણના બદલ મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મહેશ રાજકોટિયા જેલમાં

ચેક રિટર્ન કેસમાં મુદતે હાજર ન રહેતા ગત શુક્રવારે કોર્ટે આકરા પગલાં લીધા

મોરબી : પાસના આગેવાન અને મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય ટંકારાના મહેશ રાજકોટિયાને કોર્ટ સમન્સની અવગણના કરવી ભારે પડી છે. કોર્ટે વારંવારના સમન્સ બાદ પણ મુદતે હાજર રહેવામાં બહાના કરતા રાજકોટિયાને તહેવાર ટાંકણે જ જેલ હવાલે કરી ગુન્હેગારો માટે લાલબત્તી સમાન પગલું ભર્યું છે.
જાણવા મળ્યા મુજબ ટંકારાના પાસના આગેવાન અને જિલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયા વિરુદ્ધ કાર્પ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ભાગીદારો દ્વારા રૂ.૨૦ લાખનો ચેક રિટર્ન થતા ફરિયાદ કરી હતી જે અંગે નામદાર કોર્ટ દ્વારા વારંવાર સમન્સ બજાવવા છતાં કોર્ટ સમન્સને હળવાશથી લઈ મહેશ રાજકોટિયા દ્વારા ન્યાય પ્રક્રિયા વિલંબિત કરી હતી જેને પગલે નામદાર કોર્ટ દ્વારા રાજકોટિયા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ ઇસ્યુ કરાયું હતું.
બિનજમીનપાત્ર વોરન્ટ ઇસ્યુ થતા જ મહેશ રાજકોટિયા વોરન્ટ રદ કરાવવા ગત શુક્રવારે કોર્ટમાં પહોંચતા નામદાર કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. અને વારંવાર કોર્ટના સમન્સ છતાં નામદાર કોર્ટ સમક્ષ હાજર ન રહી કોર્ટ કેસ વિલંબિત કરવાની ચેષ્ટા બદલ અન્યોને પણ સબક મળે તે હેતુથી કોર્ટ મહેશ રાજકોટિયાને તાત્કાલિક અસરથી જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.