પીપળીમાં દારૂના હાટડા સહિતની બદી મામલે જિલ્લા કલેકટર અને પોલીસવડાને ફરિયાદ

- text


મોરબીના પીપળી ગામમાં અસામાજિક તત્વો બેખોફ : રજુઆતમાં જનતા રેડની ચીમકી

મોરબી : મોરબી નજીકના પીપળી ગામમાં અસમાજિકતત્વો બેખોફ બની દારૂ-દેહ વ્યાપારના ખુલ્લે આમ ધંધા કરતા હોવાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આજે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને ઉગ્ર રજુઆત કરી ગ્રામજનોને અસામાજિક તત્વોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગણી કરી હતી અન્યથા જનતા રેડની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી હતી.
આજરોજ પીપળી ગ્રામ પંચાયતના સતાવાર લેટરપેડ ઉપર લેખિત ફરિયાદ સાથેનું આવેદનપત્ર આપવા પીપળી ગામના 50 થઈ વધુ લોકો જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને રૂબરૂ આવ્યા હતા અને પીપલીના મનીષ કાંટા,અમૃત સિમેન્ટ નજીકની જગ્યા,ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ પાવર હાઉસ આસપાસના વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દેહવ્યાપાર તેમજ દેશી-વિદેશી દારૂનો ધંધો કરવામાં આવતો હોય ગ્રામજનોને રહેવું મુશ્કેલ બન્યું છે, આ ઉપરાંત તાજેતરમાં હત્યાનો બનાવ બન્યા બાદ પરિસ્થિતિ વધુ ખરાબ હોવાનું રજુઆતમાં જણાવાયું હતું.
દરમિયાન ગ્રામજનોએ એવી પણ ફરિયાદ કરી હતી કે આ લુખ્ખા આવારા તત્વો રસ્તે પસાર થતી બહેન-દીકરીઓની છેડતી કરી રહ્યા છે.ગામના આગેવાનો અને પંચાયત દ્વારા અગાઉ અનેક વખત આવા તત્વોને ટોકવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી ઊલટું અસામાજિક તત્વો એવું કહેતા ફરે છે કે અમે પોલીસને નાણાં આપીએ છીએ અમારું કોઈ કાઈ નહીં બગાડી શકે !!
આ સંજોગોમાં ગ્રામજનોએ તાકીદે આવા ગુંડા તત્વો વિરુદ્ધ પગલાં ભરી રાત્રી-દિવસ પોલીસ પેટ્રોલિંગ કરવા મંગ ઉઠાવી છે અન્યથા જનતા રેડ કરી લુખ્ખા તત્વો વિરુદ્ધ ગ્રામજનો સામુહિક સુરક્ષા કરશે તેવું અંતમાં જણાવ્યું હતું.

- text