માળિયામાં મચ્છુના પાણીનો પ્રવાહ અટકાવવા મામલે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ

- text


માળીયા માં સર્જાયેલી હોનારત માટે દેવ સોલ્ટ જવાબદાર હોવાનો મીઠા ઉદ્યોગ એસોસિએશનની લેખિત રજૂઆત બાદ તાકીદે તપાસ શરુ : ઘટના સ્થળની મુલાકાત લેવાઈ

મોરબી : માળીયામાં મચ્છુ નદીના પાણી ફરી વાલ્વ પાછળ દેવ સોલ્ટ નામની કંપની જવાબદાર હોવાથી આ કંપની વિરુદ્ધ પગલાં ભરી કંપની દ્વારા સુરજબારી પુલ નજીક બનાવાયેલ રાક્ષસીપાળા ને યુદ્ધના ધોરણે તોડી પાડવા તેમજ માનવ જિંદગી સામે જોખમ ઉભું કરવા બદલ તાકીદે લીઝ રદ કરવા માળીયા સોલ્ટ મેન્યુ.એસોસિએશન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવતા ગઈકાલે ગાંધીનગરની ટીમે સ્થળ મુલાકાત કરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકામાં આવેલ દેવ સોલ્ટ કંપની દ્વારા સુરજબારી પુલ નેશનલ હાઇવેથી દરિયાની અંદર તરફ 18 થી 20 કિમિ. મહાકાય પાળો બનાવી લેવામાં આવતા ચોટીલા,મોરબી તરફ થી આવતા મચ્છુ નદીના પાણીનો પ્રવાહ દરિયામાં જી શકતો નથી પરિણામ સ્વરૂપ તાજેતરમાં માળીયા તાલુકામાં જાન-માલને મોટી ખાના-ખરાબી સહન કરવી પડી હોવાની ચોંકાવનારી હકીકત માળીયા સોલ્ટ મેન્યુફેક્ટરીંગ એસોસિએશન દ્વારા સ્થાનિક કક્ષાએથી લઇ ગાંધીનગર સુધી લેખિતરૂપે જણાવવામાં આવી હતી જેને પગલે ગાંધીનગરની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.અને બારીકાઈ ભર્યું નિરીક્ષણ કર્યું હતું.
દેવ સોલ્ટ કંપનીએ કુદરતી પાણી નો પ્રવાહ રોકતા સુરજબારી ક્રિકેટ થી હડકાયા નેસ જતો દરિયાઈ પ્રવાહ સદંતર બંધ થયો છે પરિણામે હરિપર,ગુલાબડી,ઝાંઝસર,દેવગઢ,ભાવ પર સહિતના ગામો ડૂબ્યાં હતા.આ સંજોગો માં માળીયામાં આવેલા પૂર અને હોનારત માટે દેવ સોલ્ટ ને જવાબદાર ગણી કંપની સામે પગલાં ભરવા, કંપનીએ બનાવેલા રાક્ષસી પાળા નો નાશ કરી માનવ માટે આફત ઉભી કરનાર કંપની સંચાલકો સામે લીઝ શરતભંગ ના પગલાં ભરવા માળીયા સોલ્ટ મેન્યુ ફેક્ચર એસો.દ્વારા રજુઆત કરવામાં આવતા તાબડતોબ ગાંધીનગરથી ટીમ દોડાવી સરકારે આ પ્રશ્નને ગંભીરતાથી લીધો છે.
દરમિયાન ગઈકાલે સ્થળ નિરીક્ષણ માટે આવેલ ટીમ સાથે સોલ્ટ મેન્યુ.એસો. સાથે રહ્યું હતું.આ મામલે ગાંધીનગર ઉધોગ વિભાગના અશોકભાઈ ચોધરી,ગોહિલ નકુમ સહિતની ટીમ સર્વે માટે આવી હતી જેમાં માળિયા મીઠા ઉધોગના પ્રમુખ દિલુભા જાડેજા,અયુબ અબ્દુલા,પ્રકાશભાઈ,પ્રમોદભાઈ જોશી,નીજામભાઈ અને દેવાભાઈ ડાંગર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને દેવ સોલ્ટ કંપનીના કારસ્તાન દેખાડ્યા હતા.

- text