મોરબી-વાંકાનેરના ટ્રાન્સપોર્ટરો બિલ વગર માલ પરિવહન નહિ કરે

સિરામિક એસોસિએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે થયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય

મોરબી : જીએસટી અમલી બન્યા બાદ સિરામિક એસોસિએશન દ્વારા બિલ વગર સેમ્પલબોક્સ પણ કારખાના બહાર ન કાઢવા કરેલા કડક નિયમની અમલવારી કરવામાં હવે ટ્રાન્સપોર્ટ એસોશિએશને પણ ટેકો જાહેર કરી બિલ વગરના માલનું પરિવાન ન કરવા નિર્ણય કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ 1 જુલાઈ થી જીએસટી અમલી બન્યા બાદ સિરામિક એસોસિએશન મોરબી દ્વારા બિલ વગર માલ વેચાણ નહીં કરવા નક્કી કરી ટાઇલ્સ ના સેમ્પલ બોક્સ પણ બિલ વગર કારખાના બહાર નહિ કાઢવા નક્કી કર્યું છે અને આ નિયમની ચુસ્ત પાને અમલવારી કરવા મોરબી-વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે મીટીંગ યોજી હતી.વધુમાં સિરામિક એસોસિએશન હોલ ખાતે યોજાયેલ બેઠકમાં મોરબી અને વાંકાનેરના તમામ ટ્રાન્સપોર્ટરોએ સિરામિક એસોસીએશનના નિર્ણયને આવકારી એક પણ ટ્રાન્સપોર્ટર બિલ વગર માલ નહીં સ્વીકારે તેવી ખાતરી આપી હતી.
આ અંગે સિરામિક એસોસીએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા,કે.જી.કુંડારીયા અને પ્રફુલભાઈ દેત્રોજાએ ટ્રાન્સપોર્ટ એસોશિએશનને બિલ વગર વેચાણ નહિ કરવાની ઝુંબેશમાં ટેકો આપવા બદલ આભાર માન્યો હતો.