વાંકાનેર : વિશીપરાની સ્થીતી નર્કાગાર : ૧૨ દિવસથી અંધારાપટ

- text


ભૂગર્ભ ગટરના ખોદકામ બેસી ગયા, ઠેર ઠેર ગંદકીના ઢેર : આવેદન અપાયુ

વાંકાનેરના પછાત ગણાતા વિસ્તાર એવા વિશીપરામાં આ ચોમાસામાં નર્કાગાર જેવી સ્થીતીના નિર્માણથી સ્થાનિક રહેવાસીઓ તો ઠીક પરંતુ આંધળા માણસને પણ ત્યાંથી પસાર થતી વેળાએ અનુભવિય તેવા રસ્તાઓ પર મસમોટા ખાડાઓ – ગંદકીના ઢગ – વરસાદના કારણે ભરાયેલ ખાબોચિયા તેમજ આજના હાઇટેક યુગમાં પણ આ વિસ્તારની જાહેર લાઈટો છેલ્લા ૧૨ દિવસથી બંધ છે ! આ બાબતે પાલિકાના આ વિસ્તાર પ્રત્યે ઓરમાયા વર્તનના આક્ષેપો સાથે વિસ્તારના મહિલા અને પુરુષોએ બહોળી સંખ્યામાં વાંકાનેર પ્રાંત અધિકારી- મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદન પત્ર આપ્યું હતું.
શહેરનો વિકાસ તો જ શક્ય છે અને આદર્શ ગ્રામ તરીકે જ ત્યારે જ પ્રસ્થાપિત થઇ શકીએ જયારે પ્રજાની મુખ્ય ત્રણ પાયાની જરૂરિયાતો પાણી – રસ્તા અને સ્વચ્છતા મળી રહે. આ ત્રણેય બાબતે વાંકાનેર શહેર વિસ્તારમાં આવતા વિશીપરાના લોકો સાવ વંચિત સમાન સ્થીતીમાં રહેતા જોવા મળ્યા છે. આ વિસ્તારમાં એક પણ રોડ ( મુખ્ય કે ગલીઓ ) સાજી રહી નથી કારણ કે ભૂગર્ભ ગટરનું કામ અને તે પણ અધૂરું. સાથોસાથ રોડ પર તલાવડા જેવા ખાડા અને તેમાં પણ આ ચોમાસામાં પડેલા વરસાદથી ભરાયેલ ગંદુ પાણી કે જેના પર માખી-મચ્છરના દેરા તંબુ તણાઈ ચુક્યા છે સાથોસાથ છેલ્લા ૧૨-૧૨ દિવસથી આ વિસ્તારની મુખ્ય અને અંદરના માર્ગોની મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ છે.
પાલિકાના શાસનમાં આ વિસ્તારની ચારમાંથી ત્રણ બેઠકો શાસક પક્ષની છે પરંતુ વિસ્તારના જે લોકો થાકી તેઓ ત્યાં બેઠા છે ત્યાની પ્રજાની આ હાલાકી વિષે મૌન છે અથવા તો તેનું કશું ઉપજતું નથી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. પોતાન પ્રશ્નો અંતે તેઓના પ્રતિનિધિઓ (કોર્પોરેટરો) ધ્યાને ન લેતા આ વિસ્તારની મહિલાઓ અને પુરુષો આજે બહોળી સંખ્યામાં ભેગા થઇ પોતાની અને પોતાના વિસ્તારની વેદના લેખિતમાં વાંકાનેર પ્રાંત અધિકારી – મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદન સ્વરૂપે આપી હતી.

- text