ટંકારામાં ફરીથી પૂર જેવી સ્થિતિ : ડેમી 2 ડેમના 14 દરવાજા 8 ફૂટ ખોલાયા : અમરાપર પાસે 30 લોકો ફસાયા

- text


ડેમી ડેમમાંથી વિપુલમાત્રામાં પાણી છોડતા ડેમ હેઠળના ટંકારા અને મોરબીના ગામોને એલર્ટ કરાયા

ટંકારા : ટંકારામાં આજે બપોર બાદ બારે મેઘ ખાંગા થયા હોય અને જાણે વાદળ ફાટ્યું હોય એમ માત્ર 3 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ટંકારામાં 15 દિવસમાં બીજી વાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જયારે ભારે વરસાદની સાથે ટંકારાના ડેમી-2 ડેમના 14 દરવાજા 8 ફૂટ ખોલતા ડેમ હેઠળના વિસ્તારમો જળ બમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જયારે ટંકારા નજીક અમરાપરમાં 8 પરિવારના 30 જેટલા લોકોના રહેણાંક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. જે લોકો સુઘી પોહચી શકાય તેવી સ્થિતિ ન હોવાથી હાલ આ લોકોને ઊંચાં વાળી જગ્યાએ જતું રેહવાની સૂચના આપવામાં આવી છે. જયારે ડેમી-2 ડેમમાંથી વિપુલ પ્રમાણમાં પાણી છોડવાથી ડેમ હેઠળના ટંકારા અને મોરબીના ગામોને એલર્ટ કરાયા છે જેમાં મોરબીના ચચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, બેલા ગામોનો સમાવેશ થાય છે. જયારે ટંકારાના તમામ વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. મામલતદાર અને પંચાયતની કચેરીમાં પણ પાણી ભરાયા છે. વરસાદના પગલે મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ટંકારામાં 3 જ કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ પડવાથી જીયા નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળે છે.

- text