મોરબી જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી કરાઈ

- text


હળવદ અને મોરબીમાં ઠેર ઠેર ગુરુવંદના સહિતના વિવિધ કાર્યક્રમો

આજના હાઈટેક યુગમાં ધર્મ, પર્વ, ધાર્મિકતા અને સંસ્કૃતિનું મહત્વ અંકબંધ રીતે જોવા મળે છે. અષાઢ સુદ પૂનમે ગુરુપૂર્ણિમાનો સમગ્ર ઝાલાવાડમાં વિશેષ મહત્વ જોવા મળે છે. હળવદ પંથકની ધાર્મિક સંસ્થાઓ, ગાદીઓ તેમજુ શૈક્ષણિક સંકુલોમાં ગુરુપૂજન, પ્રસાદ જેવા ગુરુવંદના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
વહેલી સવારથી વિવિધ ધાર્મિક જગ્યાઓમાં ગુરુવંદના, ભંડારા, મહાઆરતી વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. નકલંક ગુરુધામ ખાતે દલસુખ મહારાજના ગુરુપૂજન માટે વિદેશી લોકો ઉપરાંત હળવદ પંથકના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાત્રીના ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ચરાડવાના મહાકાળી આશ્રમના સંત શિરોમણી દયાનંદગીરી બાપુ જેમની જટા ૩૦ ફૂટ લાંબી છે. જે દર્શનીય છે. તેમના પૂજન માટે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. આ બાપુના જીવન પણ અલગ અને અલગારી અને અલાયદું છે. સમગ્ર પંથકમાં દિવસભર ગુરુપૂજન, સત્સંગ, મહાઆરતી, ભંડારાઓ વગેરે આસ્થાભેર સાથે શ્રધ્ધાળુઓ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
જયારે મોરબીમાં ઠેરઠેર ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોરબીનાં સામા કાંઠે આવેલા ગોકુળનાં બાલા હનુમાન મંદિરે અનોખી રીતે ગુરુપૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને બટુક ભોજન કરાવીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. તથા સંત વેલનાથ બાપુનું પૂજન કરીને ભાવવંદના કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામભાઈ વાઘાણી સહિતનાંઓએ ભારે જહેમત ઉઠાવી હતી.તેમજ રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે સંત ભજન ભોજન, કુમારિકાપૂજન, વ્યાસપૂજનનો કાર્યક્રમ ભાવેશ્વરીબેનનાં સાનિધ્યમાં ઉજવાયો હતો. આ પ્રસંગે મોરબી તેમજ અન્ય ગામોમાં ભક્તોએ બાલ વિદુષી રતનબેનનાં સત્સંગનો લાભ લીધો હતો. વિવિધ સમાજનાં આગેવાનો રામધન આશ્રમ ખાતે હાજર રહ્યા હતા. રામધન આશ્રમની પાવન ઉજવણીમાં મનસુખભાઈ આદ્રોજા, ધીરુભાઈ, છગનબાપા, તરસીબાપા, અંબારામભાઈ અને અશ્વિનભાઈ સહિત ભક્તો અને આશ્રમનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- text