મોરબી : ખેડૂતોના વિવિધ પ્રશ્ને કોંગ્રેસની રેલી કાઢી કલેકટરને આવેદન સોપ્યું

મોરબી : આજ રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લાનાં ખેડૂતોને સ્પર્શતો પ્રશ્નો જેવા કે, ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિથી જમીનનું ધોવાણ, ખેતનિપજના પોષણક્ષમ ભાવો, પાક વિમો તેમજ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ખેતીની જમીનની માપણીમાં વિસંગતતાને લીધે સૌરાષ્ટ્રના ખેડૂતોને ભોગવવી પડતી હાલાકીને વાચા આપવા નટરાજ ફાટક પાસે, સામાકાંઠેથી રેલી કાઢવામાં આવી હતી. જેમાં રેલીનાં અંતે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર રાજ્યનાં કુલ ૨૫ કરોડ જેટલા સર્વે નંબરોની માપણી એજન્સીએ કરી હોવાનો સરકાર જે દાવો કરે છે એ તમામ માપણી ખોટી હોવા છતાં મોટાભાગનાં પ્રમોલગેસન થઈ ગયા છે.એટલે હવે લેન્ડ રેવન્યુ કોડ મુજબ તેમાં સુધારો શક્ય નથી. જમીન માપણી સમયે સંબંધિત ખેતર ગામનાં નકશામાં લોકેટ કરવામાં આવ્યું નથી. તેથી તાત્કાલિક આ માપણી રદ્દ કરવા જણાવી કોંગ્રેસે ખેડુતોના દેવા માફ કરવા પણ આવેદનમાં જણાવ્યું છે. આ સિવાય જંગલી ગાય અને ભૂંડોનાં રક્ષણ સાથે મોરબી તાલુકામાં પાક વીમામાં અગાઉ થયેલા અન્યાય દૂર કરવા પણ માંગણી ઉઠી છે. તેમજ તાજેતરમાં ટંકારા હોનારતમાં ખેતીની જમીનમાં થયેલા ધોવાણનું વળતર આપવા જિલ્લાભરના કોંગ્રેસનાં કાર્યકરો, અગ્રણીઓ, તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતના સભ્યો, સંગઠનના હોદેદારોશ્રીઓ યુવક, મહિલા, આઈ.ટી., બક્ષીપંચ, કિશાન સેલ સહિતની કોંગ્રેસની વિવિધ પાંખના હોદેદારોએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાની આગેવાનીમાં કલેકટરને આવેદન આપ્યું છે.⁠⁠⁠⁠