બોલો..હવેથી સિરામિક ઉદ્યોગને ગેસ પરનો રોજનો ૭૫ લાખનો ટેક્સ પાછો નહીં મળે

- text


નેચરલ ગેસ જીએસટીમાં ન સમાવાતા ગુજરાત સરકાર દ્વારા ૧૫ ટકા વેટ ઉધારવાનું ચાલુ રખાયું અને જીએસટી હેઠળ વેટનું રીફંડ પણ નહીં મળે

મોરબી : જીએસટી અમલ થવાથી ઉદ્યોગોને ઘણો માર સહન કરવો પડી રહ્યો છે. જેમાં સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધારતા મોરબીના સિરામિક ઉદ્યોગોની હાલત પાડાનાં વાંકે પખાલીને ડામ જેવી થઈ છે. જેમાં જીએસટીના તોતિંગ દરોની સાથે સિરામિક ઉધોગમાં વપરાતા નેચરલ ગેસ પર ટેક્સનું રિફંડ બંધ થવાથી મોરબીના સિરામિક ઉધોગો પર રોજનું ૭૫ લાખનું ભારણ વધી ગયું છે અને બીજી બાજુ ગુજરાતની રાજય સરકારને રોજની બેઠી ૭૫ લાખની આવક ઊભી થઈ ગઈ છે.
મોરબી સિરામિક ઉધોગોમાં હાલ ઈંધણ તરીકે મોટા ભાગે પાઇપલાઇન મારફતે પહોચાડતા નેચરલ ગેસ ઉપયોગમાં લેવાય છે. મોરબીનો સિરામિક ઉધોગો એક અંદાજ મુજબ રોજનો ૨૮લાખ ક્યુબીક મીટર નેચરલ ગેસ વાપરી રહ્યો છે. આ ગેસના પ્રતિ ક્યુબીક મીટરના ૨૫ રૂપિયાના ભાવ ઉપર અત્યાર સુધી ગુજરાત સરકાર ૧૫ ટકા વેટ ઉઘરાવતી હતી. જેમાંથી વર્ષાતે ઉદ્યોગકારોને ૧૧થી૧૨ ટકા વેટ રિફંડ પેટે મળી જતો. પરંતુ ૧લી જુલાઈથી જીએસટી લાગુ પડવાથી અને સરકારની ગૂંચવણ ભરી નીતિનો કારણે હવેથી મોરબીના સિરામિક ઉદ્યોગોને જીએસટી લાગુ થવા છતાં ગેસ પર ૧૫ ટકા વેટ ભરવો તો પડશે અને તે હવેથી પાછો પણ નહી મળે. કારણ કે નેચરલ ગેસને જીએસટીમાંથી બાકાત રાખતા ગુજરાત સરકારે પોતાનો ટેક્ષ મ(વેટ) વસૂલવાનું ચાલુ રાખ્યું છે. અને હવે જીએસટી ટેક્ષ સિસ્ટમમાં વેટ રિફંડ મળવાની કોઈ જોગવાઈ ન હોવાથી મોરબીના સિરામિક ઉદ્યોગોને દરરોજના ગેસ પરનો અંદાજે ૭૫ લાખ રૂપિયાનો ટેક્ષ હવેથી પાછો નહીં મળતા આ ભારણ ઉદ્યોગકારો માટે કમર તોડ સાબિત થવાની શક્યતા છે.
સિરામિક ઉદ્યોગના સૂત્રોના જણાવ્યાં મુજબ ગેસ પરના ૧૫ ટકા વેટ રિફંડ ન મળવાથી ઉત્પાદન ખર્ચ વધી જશે. જેના કારણે ઉદ્યોગોકારો અન્ય ઈંધણ તરફ વળે તેવી શક્યતા છે. મોરબીના ઉદ્યોગોકારો જો આ સ્થિતિ યથાવત રહી તો PNGની જગ્યાએ LPG તરફ વળવાનું વિચારી રહ્યા છે. કારણ કે હાલ જેમાં LPGનાં ભાવો PNG કરતા સસ્તા છે. જો આમ થશે તો એકન્દરે ગુજરાત સરકારને જ મોટી નુકશાની જશે. જ્યારે ગેસ પરના ટેક્ષ રિફંડ ન મળવા અંગે મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ નિલેશ જેતપરીયાએ જણાવ્યુ હતું કે આ અંગે અમે રાજય સરકારમાં રજૂઆત કરી PNG ગેસના ભાવો ઘટાડવાની રજૂઆત કરી છે. જેથી રિફંડ ન મળનાર ટેક્સનું ભારણ સરભર થઇ જાય. ત્યારે મોરબી સીરામીક ઉદ્યોગની રજૂઆત સરકાર સાંભળે છે કે પછી દરવખતની જેમ માત્ર ખાતરીના ગાજરથી કામ ચલાવી લેવામાં આવે છે તે જોવાનું રહ્યું.

- text

- text