મોરબી-વાંકાનેરમાં ગેરકાયદેસર બાંધકામ પર રોક : નવો જીડીસીઆર અમલી

શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નવા નિયમો અમલી કરવા બોર્ડ બેઠકમાં લેવાયો અગત્યનો નિર્ણય : સરકારની નવી ગાઇડલાઇન મુજબ માર્જિન, પાર્કિંગ છોડ્યા વગર બાંધકામ નહિ થઇ શકે

મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની ગઈકાલે મળેલી બોર્ડ મિટિંગમાં ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ નવા જીડીસીઆરનો ચુસ્તપણે અમલ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. તેથી હવે મવડામાં સમાવિષ્ઠ ગામોમો આડેધડ બાંધકામ પર સજ્જડ બ્રેક લાગશે.
ગઈકાલે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને મવડા એટલે કે મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની બોર્ડ બેઠક મળી હતી જેમાં સરકારશ્રીના નવા જીડીસીઆરનો કડકપણે અમલ કરવા નક્કી કરાયું હતું. આ નિર્ણયથી હવે મોરબી શહેર, વાંકાનેર તેમજ મવડામાં સમાવેશ થયેલા ત્રાજપર, વજેપર અને માધાપરમાં સરકારની નવી ગાઇડલાઇન મુજબ માર્જિન, પાર્કિંગ છોડ્યા વગર બાંધકામ નહિ થઇ શકે. જીડીસીઆરના અમલને પગલે હવે મવડા વિસ્તારમાં બિનખેતી થતી જમીનોમાં રોડરસ્તા અને અન્ય અનામત હેતુ માટે ૪૦ ટકા કપાતનો નિયમ પણ અમલી બનાવવામાં આવશે.
આમ હવે મોરબી વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા કોમન જીડીસીઆરનો અમલ કરવાનું નક્કી થતા બિલ્ડરો અને ભૂમાફિયાઓ દ્વારા થતા ગેરકાયદેસર બાંધકામ ઉપર ઓટોમેટિક રોક લાગશે જે વિકાસ પામી રહેલા મોરબી વાંકાનેર વિસ્તાર માટે લાંબાગાલે ફાયદાકારક નીવડશે.
આ ઉપરાંત મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાંથી અનેક ગામોની બાદબાકી થતા હોઈ માત્ર મોરબી અને વાંકાનેર નગર પાલિકા વિસ્તાર તેમજ ત્રાજપર, વજેપર અને માધાપર ગામનોજ સમાવેશ થતા મવડા દ્વારા ઉપરોક્ત પાંચેય વિસ્તારો માટે નવો ડેવલોપમેન્ટ પ્લાન બનાવવામાં આવશે આ માટે સરકારમાં ટૂંક સમયમાં જ દરખાસ્ત મોકલવા બોર્ડ મિટિંગમાં ઠરાવ કરી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય કોમન જીડીસીઆરમાં ૪૦ને બદલે ૨૦ ટકા કપાત કરવા જિલ્લા પંચાયત પ્રમુખની માંગ રહી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જાકાસણીયા એ કલેકટરને રજૂઆત કરી હતી કે, સરકારના કોમન જી.ડી.સી.આર. મુજબ હાલ ૪૦% કપાત વધુ છે. મોરબી શહેર વિકસતું શહેર હોવાથી જી.ડી.સી.આર.ના નિયમો અનુંસાર મોરબીની પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે જે મોરબી મવડા માટે વધુ પ્રમાણ હોય મોરબીમાં ૨૦% કપાત અને ૨.૫ એફએસઆઈ રાખવા માટે અને ૧૨ મીટર હાઈટ સુધી બાંધકામ મજુરી આપવામાં આવે અને હાલમાં ડેવલોપમેન્ટ ચાર્જ ૩૦૦ મીટર પ્રમાણે લેવામાં આવે છે જેની જગ્યાએ ૧૫૦ મીટર પ્રમાણે અને ૧.૮ની એફએસઆઈ તથા વધારાની એફએસઆઈ જંત્રીના ભાવથી ૪૦%ના દરે વહેચાતી આપવામાં આવી તેવી રજૂઆત કરી હતી. તેમજ સોનલબેનએ વધુમાં રજૂઆત કરી હતી કે મોરબીનો ઝડપથી અને સારો વિકાસ થઈ શકે તેમ છે જેથી આ અંગે વહેલી તકે સરકારમાં સુધારા દરખાસ્ત કરવામાં આવે અને આ બાબતોનો તાત્કાલિક નિર્ણય લેવા માંગણી ઉઠાવી હતી.⁠⁠⁠⁠