મોરબી : પ્રથમ વરસાદમાં જાહેર માર્ગો ધોવાયા

- text


મોટાભાગનાં જાહેર માર્ગોની બદતર સ્થિતિ : નવા બનાવેલા માર્ગો પણ ધોવાઈ જતા લોકોને હાલાકી : વાહનચાલકો મુશ્કેલીમાં

મોરબીમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ જાહેર માગોંનું ધોવાણ થઈ ગયું છે. થોડા સમય પહેલા જ નવા બનેલા માર્ગો પણ ધોવાઈ જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ઘણા માર્ગો ખાડાના અખાડા બની જતાં વાહન ચાલકોને અવર જવરમાં પાર વગરની મુશ્કેલી વેઠવી પડે છે.
મોરબીમાં લોકોની પ્રાર્થના સાંભળીને મેઘરાજા મન મૂકીને વરસ્યા પરંતુ વરસાદના કારણે કઠણાઇ માર્ગોની થઈ છે. પ્રથમ રાઉન્ડમાં વરસાદના માર્ગોની સ્થિતિ તહસનહસ થઈ ગઈ છે. મોટા ભાગનાં માર્ગો ધોવાયા છે. ઘણા માર્ગોની હાલત એટલી બદતર બની ગઈ છે કે, ત્યાંથી નીકળવું અકસ્માતને આમંત્રણ દેવા બરાબર છે. જેમાં મોરબીની સિવિલ હોસ્પિટલ રોડ અને તખતસિંહજી રોડની પહેલેથી ખરાબ હાલત હતી. બંને માર્ગો ખાડના અખાડા થઈ ગયા છે. અને આ ખાડામાં પણ વરસાદી પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોની કપરી કસોટી થઈ રહી છે. આ માર્ગો પર પસાર થતી વખતે વાહન સતત હાલક ડોલક થતું રહે છે. ઉપરાંત રવાપર રોડની દયનીય સ્થિતિ થઈ ગઈ છે. પાલિકા તંત્રએ થોડા સમય પહેલા જે જે નવા માર્ગો બનાવ્યા હતા તે માર્ગોની પણ દુર્દશા થઈ ગઈ છે. ઘણા માર્ગો પર મોટા મોટા ભૂવા પડી જતાં વાહન ચાલકો પર અકસ્માત જોખમ તોળાઈ રહ્યું છે. તેથી આ બાબતે તંત્ર વહેલી તકે ગંભીરતાથી પગલાં ભરે તે જરૂરી છે.

- text