વરસાદ અપડેટ : મહેન્દ્રનગર ગામે લોકોએ વરસાદી પાણી ભરાતા ચક્કાજામ કર્યો

મોરબીથી મોટી વાવડી તરફ જવાનો રસ્તો બંધ : ઘુનડા(ખા) ગામ બેટમાં ફેરવાયુ : બાપા સીતારામ ચોકમાં એક વૃક્ષ ધરાશાયી

મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામે લોકો-વરસાદી પાણી ભરાતા ચક્કાજામ કર્યો છે. વરસાદી પાણી લોકોના ઘર અને સોસાયટીમાં પાણી ભરાતા અને પાણીનો નિકાલ બંધ થતા લોકોમાં તંત્ર સમક્ષ રોષ જોવા મળ્યો છે. પ્રિમોનસુન કામગીરી અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી હતી છતાં તંત્રએ કામ ન કરતા લોકોને પારવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત મોરબીથી મોટી વાવડી તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. સ્કુલના બાળકો તથા બસના મુસાફરોને માંડ માંડ ગામમાં સલામત સ્થળ પર પહોંચાડવામાં આવ્યા છે. મોરબીમાં અનરાધાર વરસાદનાં પગલે ઘુનડા(ખા) ગામ બેટમાં ફેરવાયુ છે. જેથી નદી કાંઠે આવેલા ચાર મકાન ખાલી કરાવવામાં આવ્યા છે. ૧૪થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સાથોસાથ આ ગામમાં પાંચથી વધુ વિજપોલ તુટી પડ્યા હોવાથી ઘુનડા ગામમાં અંધારપટ્ટ થઈ ગયું છે અને લોકો સંપર્ક વિહોણા બન્યા છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરકારી કર્મચારી સોસાયટીમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા⁠⁠⁠ છે.⁠ આ સિવાય મોરબીનાં રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. તંત્ર દ્વારા વરસાદમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરુ થઈ ચુકી છે. લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા સુચના આપવામાં આવે છે.