મોરબી : ટંકારા જળબંબાકાર : પૂરની સ્થિતિ

ખાખરા ગામ પાસે બે ડૂબ્યા : વહેલી સવારથી ૧૧ વાગ્યા સુધીમાં ૧૧ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ટંકારા સહિત અન્ય તાલુકામાં મેઘાનો હાહાકાર : શાળા-કોલેજ રજા : અપૂરતી સાધન-સામગ્રી અને સ્ટાફથી તંત્ર લાચાર : રાજકોટ પાસે મદદ મંગાઈ

સમગ્ર મોરબી જિલ્લામાં છેલ્લાં કેટલાંક સમયથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાનાં ટંકારા તાલુકામાં વરસાદે વિકરાળ સ્વરૂપ દેખાડતા ઠેરઠેર વૃક્ષો, હોર્ડિગ્સ ધરાશાઈ થઈ ગયા છે. ટંકારા તાલુકામાં વહેલી સવારથી ૧૧ વાગ્યા સુધીમાં ૧૧ ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ તમામ જળાશયો અને તળાવો ઓવરફ્લો થઈ ભયજનક સપાટીએ વહી રહ્યા છે. ધોધમાર વરસાદથી ટંકારાનો બંગાવડી ડેમ ત્રણ કલાકમાં ઓવર ફલો થઈ ચૂક્યો છે. સમગ્ર ટંકારા તાલુકો જળબંબાકાર થઈ જતા પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ટંકારામાં એનડીઆરએફની એક ટિમ રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત તંત્રએ રેસ્ક્યુ ટીમને ટંકારા રવાના કરી તમામ અધિકારી અને ફાયરબ્રિગેડને સ્ટેન્ડઅપ કરી દીધું છે. કાયમ પાણીમાં બેસી જવા જાણીતી ટંકારાની મામલતદાર કચેરીમાં પણ પાણી ભરાયા છે. ટંકારા તાલુકાનાં ખાખરા અને જબલપુર ગામમાં પુરની પરિસ્થિતિ સર્જાતા રાજકોટથી મદદ માંગવામાં આવી છે. આથી રાજકોટથી રેસ્ક્યુની ટીમ ટંકારા આવવા નીકળી ચુકી છે.

જબલપુર નજીકનાં કોઝવે પર ચાર ફૂટ પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો છે. આ ઉપરાંત ટંકારાનાં લતીપર રોડ પર બે ટ્રક ફસાયા અને કોઝવેમાં બે ગાડી તણાય ગઈ છે. બંગાવડી ગામ અને ટંકારાની ડેમી નદી ભયજનક સપાટીએ વહી રહી છે.

ટંકારા તાલુકાની જેમ જ મોરબી શહેરમાં પણ વરસાદ ધીમેધીમે પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવવાનું ચાલુ કરતા સલામતીનાં પગલા લતે મોરબી પોલિસ અધિકારી પી. ઓડેડરા સ્ટાફ સહિત સામાજિક સંસ્થાઓ બચાવ કાર્યમાં જોડાઈ ચુકી છે. નીચાણ વાસમાં ઝૂપડપટ્ટીનાં ફંસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ગાયત્રીનગર વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમ ધંધે લાગી છે. મોરબીનાં સિરામિક વિસ્તાર અને લાતીપ્લોટમાં અને નવા બસસ્ટેન્ડમાં પણ ગોઠણ સુધીના પાણી ભરાયા છે ત્યારે મોરબીની મોટાભાગ ની શાળા-કોલેજમાં બપોરની રજા જાહેર કરી દેવામાં આવી છે. બીજી તરફ વાંકાનેર પણ જળબંબાકાર થઈ ચૂક્યું છે.

સમગ્ર મોરબી જિલ્લાનાં લોકોને નદી-કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તંત્રએ સાવચેત કર્યા છે. તંત્ર પાસે સહાયનાં અપૂરતા સાધનો ન હોવાથી અને અપૂરતા સ્ટાફને કારણે રાજકોટ જિલ્લા પાસેથી આ સમયે મદદ માંગવામાં આવી રહી છે. હાલ ૧૧.૩૦ વાગ્યાએ મોરબી સહિત તાલુકામાં વરસાદ ચાલુ છે અને હજુ વધુ વરસાદ વરસવાની સંભાવના છે.