મોરબી-રાજકોટ હાઇવે પર મંજુરી વગર ખડકાયેલા હોર્ડિંગો રાહદારીઓ માટે ભયજનક

- text


માર્ગ અને મકાન વિભાગની મંજૂરી વગર એડ એજન્સીઓએ હજારો હોર્ડિંગ્સ ઉભા કરી નાખ્યા : હોર્ડિંગ્સ ઉભા કરનારી એડ એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે : અધિકારીશ્રી દોમડીયા

રાજકોટ મોરબી હાઇવે પર એડ એજન્સીઓ દ્વારા માર્ગ મકાન વિભાગની મંજૂરી લીધા વગર જ હજારોની સંખ્યામાં હોર્ડિંગ્સ બોર્ડ ખડકી દેતા આવા હોર્ડિંગ્સ બોર્ડ વાહનચાલકો માટે જોખમી બન્યા છે એમાં પણ ખાસ કરીને વરસાદી સિઝનમાં વાવાઝોડા બાદ અનેક બોર્ડ તૂટીને રસ્તા પર નમી જતા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. રાજકોટ મોરબી રાજ્ય ધોરીમાર્ગને પોતાના બાપુજીની મિલકત સમજી એડ એજન્સીઓ દ્વારા સરકારની ગાઇડલાઇનનો ભંગ કરી માર્ગ અને મકાન વિભાગની મંજૂરી લીધા વગર જ જોખમ સર્જાય તેવી રીતે હજારોની સંખ્યામાં હોર્ડિંગ્સ બોર્ડ લગાવી દીધા છે અને એ પણ સરકારશ્રીની માલિકીની જગ્યામાં!
રાજકોટ મોરબી હાઇવે પર એક પણ એડ એજન્સીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા લોખંડના સ્ટ્રક્ચર ઉભા કરી હોર્ડિંગ્સ લગાવવા માટે મંજૂરી આપવામાં આવી ન હોવાનું માર્ગ અને મકાન વિભાગ ના મુખ્ય ઈજનેર શ્રી દોમડીયાએ જણાવ્યું હતું. માર્ગ -મકાન વિભાગના ઈજનેર શ્રી દોમડીયાએ જણાવ્યું હતું કે, સરકાર શ્રીના નિયમ મુજબ રાજ્યધોરી માર્ગ પર રોડની મધ્યરેખાથી બંને તરફ સરકારી જમીનો આવેલી છે અને નિયમ મુજબ રોડથી ૪૫ ફુટ દૂર સુધી આવા કોઈ જોખમી સ્ટ્રક્ચર ઉભા કરી શકતા નથી. અને અમારા વિભાગ દ્વારા મોરબી જિલ્લાની હદમાં આવેલ માર્ગ પર હોર્ડિંગ્સ લગાવવા માટે પરમિશન પણ આપવામાં આવી નથી. આ દરમિયાન છેલ્લા ૧૫ દિવસમાં ભારે પવન વાવાઝોડું આવતા હાલ રાજકોટ મોરબી હાઇવે પર અનેક હોર્ડિંગ્સ બોર્ડ તૂટીને હાઇવે તરફ નમી જતા અકસ્માતનો ભય સર્જાયો છે તો અનેક જગ્યાએ એડ એજન્સી દ્વારા રાજ્ય ધોરી માર્ગથી માત્ર ચાર કે પાંચ ફૂટના અંતરે જ આવા હોર્ડિંગ્સ ઉભા કરી દઈ માર્ગ અને મકાન વિભાગ ની ઐસી-તૈસી કરી નાખી છે. કેટલીક જાહેર ખબરોમાં મોડેલને અંગઉપાંગ પ્રદર્શિત કરતી દર્શાવવામાં આવી હોવાથી વાહનચાલકો આવી એડ જોવા નજર દોડાવી બેધ્યાન બનતા અકસ્માત સર્જતાં હોવાથી સરકાર દ્વારા જાહેરાતોના આવા હોર્ડિંગ્સ હાઇવે પર લગાવવાની મનાઈ ફરમાવી છે આમ છતાં એડ એજન્સીઓ દ્વારા સરકારી નિયમોનો ભંગ કરી હાઇવે પરની સરકારી જમીનો પર ગેરકાયદે કબ્જો કરી વર્ષે દહાડે કરોડોની કમાણી કરવામાં આવી રહી છે અને તંત્ર ચુપ બની તમાશો નિહાળી રહ્યું છે.

- text

હોર્ડિંગ્સ ઉભા કરનારી એડ એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરાશે : દોમડીયા
રાજકોટ મોરબી હાઇવે પર સરકારી મંજૂરી લીધા વગર જ હોર્ડિંગ્સ બોર્ડ ખડકી લેનાર એજન્સીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે તેમ જણાવી માર્ગ અને મકાન વિભાગના ઈજનેર શ્રી દોમડીયાએ જણાવ્યું હતું કે, આ અગાવ બે વખત ઝુંબેશ ચલાવી હોર્ડિંગ્સ દૂર કરાયા હતા પરંતુ એડ એજન્સીઓ ફરીથી આવા જોખમી બોર્ડ ઉભા કરે છે આથી હવે જિલ્લા કલેકટરશ્રીને હવે આ મામલે ધ્યાન દોરી મામલતદાર કચેરી મારફતે કાર્યવાહી હાથ ધરાશે.
એડ એજન્સીઓ હોર્ડિંગ ભાડે આપી કરે છે કરોડોની કમાણી : હાઇવે પર લોખંડના સ્ટ્રક્ચર ઉભા કરી વન-ટાઈમ ઇન્વેસટમેન્ટ કરી એડ એજન્સી આવા હોર્ડિંગ જાહેર ખબર ડેટા ને ભાડે આપી પ્રતિમાસ લાખો રૂપિયા ભાડું વસુલ કરે છે જેમાંથી ફૂટી કોડી પણ સરકાને ચુકવતી નથી. શહેરી વિસ્તારમાં જો આવા હોર્ડિંગ્સ લગાવવામાં આવેતો સ્થાનિક સ્વરાજની સંસ્થાને એડ એજન્સીને ભાડા પેટે લખો રૂપિયા ચૂકવવા પડે છે પરંતુ હાઇવે પર સરકાર ની વધારા ની જગ્યા ન હોય એડ એજન્સી દ્વારા ગેરકાનૂની રીતે આવો વેપલો કરવામાં આવી રહ્યો છે.⁠⁠⁠⁠

- text