ખાખરેચીનાં ખેડૂતો દ્વારા સજીવ ખેતીથી મબલક ઉત્પાદન મેળવાયું

- text


૨૦ ખેડૂતોએ સજીવ ખેતી તરફ વળી મેળવી અદ્રિતીય સફળતા : ઉત્પાદન થયું બમણું

મોરબી : ખેતીમાં સજીવ ખેતી સર્વશ્રેષ્ઠ ગણાય છે. સજીવ ખેતીથી ખેડૂતો ધારી ઉપજ મેળવી શકે છે. ત્યારે માળીયા(મી)ના ખાખરેચી ગામે ૨૦ ખેડૂતોએ સજીવ ખેતી તરફ વળીને બમણું ઉત્પાદન મેળવ્યું છે. ઓછું ખર્ચ ઉત્પાદન થતું હોવાથી કાયમી રીતે ખેડૂતોએ સજીવ ખેતી કરવાનો નિર્ણય લીધો છે.
માળીયા(મી) ખાખરેચી ગામે રહેતાં ખેડૂતોએ છેલ્લા બે વર્ષથી સજીવ ખેતી અપનાવી છે. સજીવ ખેતીનો પ્રથમ પ્રયોગ ગામના ખેડૂત રાજુભાઇ બાપોદરીયાએ કર્યો છે. તેમણે ગાયના છાણ, મૂત્ર, ગોળ, ચણાનો લોટ, ખાટી છાસ સહિતની સામગ્રી સાથે કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું અને તેમણે મબલખ ઉત્પાદન મેળવ્યું છે. તેમનાથી પ્રેરાઇને ગામના અન્ય ૨૦ ખેડૂતોએ પણ સજીવ ખેતી તરફ વળ્યાં છે. રાજુભાઇ બાપોદરીયાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, અગાઉ જે ખેતી કરતાં હતાં તેમાં ફાયદો ઓછો અને નુકશાન વધુ થતું હતું. તેથી તેઓએ સજીવ ખેતી કરવાનું નક્કી કર્યું. જેઓ છેલ્લા બે વર્ષથી સજીવ ખેતી કરી રહ્યાં છે. તેમણે ૧૨ વિઘા જમીન છે જેમાં તેમણે મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું અને ગૌ છાણ, મૂત્ર સહિતની સામગ્રીથી આ પાકનું કાળજીપૂર્વક જતન કર્યું હતું. જેમાંથી તેમને ધાર્યું પરિણામ મળ્યું હતું. તેઓ સીઝનમાં ૩૦ મણ કપાસ અને ૨૫થી ૩૦ મણ મગફળીના પાકનું ઉત્પાદન મેળવે છે. સજીવ ખેતી તેમના માટે ફાયદાકારક હોવાનું તેઓ દ્રઢપણે માને છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગામના ૨૦ જેટલા ખેડૂતો પણ સજીવ ખેતી કરતા થઈ ગયા છે. અને ધીરે ધીરે સારો પાક મેળવી રહ્યાં છે. જ્યારે આનંદી સંસ્થા ખાંખરેચી ગામના ખેડૂતોને સજીવ ખેતી અંગે પૂરતું માર્ગદર્શન આપે છે. જેમ કે ગોમૂત્ર, છાણ સહિતની સામગ્રીનો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે કાળજી લેવી તે સહિતનું જ્ઞાન આપે છે.

- text

- text