શિક્ષકોએ ૮ ધોરણ પાસ કરનાર વિધાર્થી ૯માં ધોરણમાં પ્રવેશ મેળવે તે જોવાની ખાસ કાળજી લે : જયંતીભાઇ કવાડીયા

મંત્રીશ્રી કવાડીયાએ માળીયા શહેરી વિસ્તારની શાળાઓમાં ૭૧ કન્યા અને ૫૫ કુમાર મળી કુલ ૧૨૬ બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરી પ્રથમ ધોરણમાં શાળા પ્રવેશ કરાવ્યો

મોરબી : રાજ્ય સરકાર પ્રેરિત કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમથી રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધવા સાથે વચ્ચેથી શિક્ષણ છોડી જવાનો બાળકોનો ડ્રોપ આઊટ રેશીયો ૨ ટકાથી નીચે લાવવામાં સફળ થયા છીએ તેમ ગ્રામગૃહ નિર્માણ અને પંચાયત રાજ્યમંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયાએ મોરબી જિલ્લા ના માળીયા શહેરી વિસ્તારની શાળાઓમાં યોજાયેલ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭ ના કાર્યક્રમમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યા બાદ ઉપર મુજબ જણાવ્યું હતું
આ પ્રસંગે મંત્રીશ્રીએ વધુમાં જાણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૧ માં રાજ્યનો સર્વાગી વિકાસ કરવો હશે તો રાજ્યમાં શિક્ષણને સો ટકાએ લઈ જવુ પડશે તેની ચિંતા અને મનોમંથન કરી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો શુભારંભ કરી રાજ્યના બજેટમાં શિક્ષણના વિકાસ માટે વધુને વધુ નાણા ફાળવી પુરતા તજજ્ઞ શિક્ષકો,ભરતી કરી શૈક્ષણીક સંસ્થાઓ અને જરૂરી શૈક્ષણીક સુવિધાઓનું સુંદર આયોજન થકી શિક્ષણ વિકાસનો યજ્ઞ આરંભ્યો હતો અને આ થકી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવે તેવુ ઉત્સાહમય વાતાવરણ બનાવ્યું જેનો આજે શિક્ષણમાં સફળ પરીણામો આપણે જોઈ શકીએ છીએ તેમ તેમણે જણાવી બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેની વાલીઓ ચિંતા કરે. તેમણે શિક્ષકોને બાળકોના શિક્ષણ થકી ભાવી ઘડતરમાં કોઈ કચાસ ન રહે તેમ માનવતાથી ઉપર ઉઠીને ફરજ બજાવવા પણ તેમણે જણાવ્યું હતું મંત્રીશ્રીએ શિક્ષકોને ૮ માં ધોરણ સુધી અભ્યાસપુર્ણ કરનાર કન્યા –કુમાર ૯ માં ધોરણમાં ચોક્કસ પણે પ્રવેશ મેળવે તે જોવા પણ જણાવ્યું હતું. મંત્રીશ્રી કવાડીયાએ માળીયા ખાતેની કન્યાશાળા, કુમાર શાળા, રેલ્વે બ્રોડગ્રેજ અને રેલ્વે કોલોની મળી ચાર શાળાઓમાં કન્યા-૭૧ કુમાર-૫૫ મળી કુલ ૧૨૬ બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહમય વાતાવરણમાં પ્રથમ ધોરણમાં શાળા પ્રવેશ કરાવાયો હતો તથા પ્રવેશાર્થી બાળાઓને વિધ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કર્યા હતા ધોરણ ૩ થી ૭ ના તેજસ્વી વિધાર્થી ભાઈ-બહેનોનું પુસ્તકો અર્પણ કરી સન્માન કરાયું હતું. મંત્રીશ્રીએ વયોવૃધ્ધનું પણ શાલ ઓઢાડી સન્માન કરી શાળા પરિશરમાં વૃક્ષારોપણ કર્યુ હતુ. મંત્રીશ્રીએ ધોરણ ૩ થી ૭ ના વિધાર્થીઓને અપાયેલ ગ્રેડ ની વિધાર્થીઓને વાંચન લેખન અને પેપર તપાસી ગ્રેડ ચકાસણી કરી હતી
આ પ્રસંગે માળીયા નગરપાલીકા અગ્રણીઓશ્રી જાન મહમદ, હબીબ, તથા ઓસમાણભાઇ, એ પ્રસંગોચિત પ્રવચનમાં સમાજ વિકાસમાં કન્યા કેળવણીનો વ્યાપ વધારવા વાલીઓને જણાવ્યું હતું. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જેતે શાળાની વિધાર્થીભાઇ બહેનોએ બેટી બચાવો, જળ એજ જીવન અને વૃક્ષારોપણ ઉપર સુંદર રીતે પોતાના વક્તવ્યો રજુ કર્યા હતા. તથા યોગાસન નિદર્શન, સ્વાગત અને શૌર્યગાનના સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા.
શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રીશ્રી બાબુભાઇ હુંબલ, માળીયા તાલુકા ભાજપ મહામંત્રીશ્રી હસમુખભાઇ કૈલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંધના પ્રમુખશ્રી દિનેશભાઇ હુંબલ, મામલતદારશ્રી રબારી તાલુકા વિકાસ અધિકારીશ્રી શૈલેષ ચાવડા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જીજ્ઞાબેન અમૃતિયા, તથા અગ્રણીઓ સર્વશ્રી મોવર ખાતુન, તાજ મહંમદ, જાન મહંમદ હબીબ, શાળાઓના આચાર્યો, શિક્ષકો અને વિધાર્થીભાઇ બહેનો, પ્રવેશાર્થી બાળકો અને વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.