હળવદ : શાળાનં-૩, ૧૧ અને ૫માં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

શિક્ષકોએ શિક્ષણ ક્ષેત્રે માનવતાથી ઉપર ઉઠીને કાર્ય કરવું જોઈએ : શિક્ષણ સંસ્થાએ મોટામાં મોટુ મંદિર છે : રાજ્ય મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયા

આજ રોજ રાજ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતીમાં હળવદની શાળાનં-૩, ૧૧ અને ૫માં કુમાર-કન્યાઓ મળી કુલ ૭૧ ભૂલકાઓને પ્રથમ ધોરણમાં તેમજ આંગણવાળીના ૪૪ ભુલકાઓને શૈક્ષણીક અને રમકડા કિટ આપીને પ્રવેશ કરાવ્યો હતો.
શિક્ષકોએ શિક્ષણક્ષેત્રે માનવતાથી ઉપર ઉઠીને કાર્ય કરવુ જોઈએ તેમ ગ્રામ ગૃહ નિર્માણ રાજ્ય મંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયાએ આજથી શહેરી વિસ્તારના શરૂ થયેલ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ ૨૦૧૭ અંતર્ગત હળવદ શહેરી વિસ્તારમાં આવેલ પ્રા.શાળાઓમાં બાળકોને રંગેચંગે પ્રવેશ કરાવ્યા બાદ જણાવ્યું હતું.
રાજ્યમંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયાએ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં શિક્ષણમાં વિકાસની ગતી આપવા તેમજ શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવાની ચીંતા કરી રાજ્યમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવાયો છે. જેના થકી આજે શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશીયાને આપણે સાવ ર ટકાથી નિચા સ્તરે લઈ જઈ શક્યા છીએ. તેમ જણાવી મંત્રીશ્રી એ શિક્ષણ સંસ્થાએ મોટામાં મોટુ મંદિર છે અહિથી જ્ઞાન, સંસ્કાર અને ઉજળા ભવિષ્યનો રસ્તો મળે છે. ત્યારે શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ શાળા વિકાસમાં પુરતો રસ કેળવે તેમજ શિક્ષકો બાળકોનું શિક્ષણ થકી ઉત્તમ ભવિષ્ય બનાવવા પોતાને મળેલી ઉમદા સેવાની ફરજ નિષ્ઠા નિભાવે અને જેમ એક શિલ્પી પથ્થરમાંથી મુર્તી કંડારે છે તેમ આ એક માટીના પિંડ રૂપી બાળકને ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર આપી તેનુ ભવિષ્ય ઉજળુ બનાવે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે હળવદ નગરપાલીકાની શાળાનં-૩, ૧૧, અને ૫ મળી કુલ ત્રણ પ્રાથમીક શાળાઓમાં પ્રવેશાર્થી બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી કુમાર ૩૬, કન્યા ૩૫ મળી કુલ ૭૧ બાળકોને પ્રથમ ધોરણમાં રંગે ચંગે પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે આંગણવાળીના ૪૪ નાના ભુલકાઓ ને રમકડા કીટ અર્પણ કરી પ્રવેશ કરાવાયો હતો. જ્યારે ધોરણ ૯માં પ્રવેશ મેળવનાર કન્યાઓને સરસ્વતી સાધના યોજના હેઠળ મળતી સાઈકલો અર્પણ કરાઈ હતી તથા તેજસ્વી બાળકોને પુસ્તકો અને કન્યાઓને વિધાલક્ષ્મી બોન્ડ અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે હળવદ નગરપાલીકાના પ્રમુખશ્રી રણછોડભાઇ દલવાડી તથા હળવદ શહેર ભાજપ પ્રમુખશ્રી અજયભાઇ રાવલે સરકાર દ્વારા શિક્ષણ માટેના કાર્યોની રૂપરેખા આપી વાલીઓ પોતાના બાળકને પુરતુ શિક્ષણ આપે તેમ જણાવ્યું હતું. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ વેળાએ મંત્રીશ્રીના હસ્તે જે તે શાળાઓના ભુતપુર્વ વિદ્યાર્થીઓ અને વિસ્તારના વયોવૃધ્ધ મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ શાળામાં વિદ્યાર્થીઓને અપાયેલ ગ્રેડની વિદ્યાર્થીઓને વાંચન કરાવી અને પેપર ચકાસી અપાયેલ ગ્રેડની ચકાસણી કરી હતી. મંત્રીશ્રીએ આંગણવાળી રસોઇ ઘરની મુલાકાત લઇ બાળકોને અપાતા પોષ્ટિક આહારની પણ ચકાસણી કરી હતી. તેમજ દરેક શાળાના પરિષરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
શાળાના વિદ્યાર્થી ભાઈ-બહેન દ્વારા વૃક્ષારોપણ, જળ એજ જીવન અને બેટી બચાવો ઉપર સુંદર રીતે વક્તવ્ય રજુ કર્યા હતા. શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીશ્રી સાથે શહેર અગ્રણીઓ સર્વશ્રી શ્રી ગીરીશભાઇ, હીનાબેન મહેતા, નગરપાલીકા ઉપપ્રમુખશ્રી જશુબેન પટેલ, અશોકભાઇ, તપનભાઇ દવે, મંત્રીશ્રીના અંગત મદદનીશશ્રી નિકુંજ પટેલ અને જેતે શાળાના શિક્ષકો, વાલીઓ અને પ્રવેશપાત્ર બાળકો ઉપસ્થિત રહ્યા હતા.