મોરબી : નવેમ્બર ૨૦૧૭માં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્ઝિબિશનમાં ૭૩ દેશોમાંથી વેપારીઓ ભાગ લેશે

- text


વિશ્વનું સૌથી મોટું બીજું સિરામિક એક્ઝિબિશન સાબિત થશે : મોરબી સહિત ૨૦૦થી વધુ સ્ટોલ્સનું બુકિંગ : સમગ્ર વિશ્વ માટે સિરામિકની બજારો ખુલશે

મોરબી ફેક્ટરી મુલાકાત લેવા આવનાર મેહમાનો માટે હેલીકોપ્ટર સુવિધા પૂરી પાડવામાં આવશે

મોરબી : ગાંધીનગર ખાતે નવેમ્બર ૨૦૧૭માં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પો વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું એક્ઝિબિશન બની રહેશે. આ વર્ષે હાલ સુધીમાં ૨૦૦થી વધુ સ્ટોલ બુક થઈ માત્ર બીજા વર્ષે જ સિરામિક એક્ઝિબિશનને પોતાની સફળતા અને પ્રગતિને સુપેરે સાબિત કરી છે. જેથી મોરબી અને ભારતનાં સિરામિક ઉદ્યોગને નવી દિશા મળી અનેક ગણી ઊંચાઈઓ હાંસલ કરવામાં પ્રોત્સાહન મળશે.
મોરબીમાં ભારત આખાનું ૮૦ ટકા સિરામિક પ્રોડક્શન થઈ રહ્યું છે જે ચીન પછી સમગ્ર વિશ્વમાં બીજા નંબરે છે. વિશ્વનાં કુલ સિરામિક ઉત્પાદનમાં મોરબીનો હિસ્સો ૧૨.૯ ટકા છે ત્યારે સિરામિક ઉદ્યોગને વિશ્વભરમાં નવી તકો સાથે વેંચાણ માટેનું પ્લેટફોર્મ મળી રહે તે હેતુસર ગત વર્ષે અમદાવાદમાં સિરામિક એક્ઝિબિશન યોજાયું હતું. જ્યારે આ વર્ષે ૫૦ હજાર ચો.મી.થી વધુ જગ્યામાં સ્ટોલ્સ સાથે ૧૧૦૦૦૦ ચી.મી. જગ્યામાં ૧૬થી ૧૯ નવેમ્બર દરમિયાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનારા સિરામિક એક્ઝિબિશન માટે હાલ વિવિધ દેશોમાં પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે.
ગાંધીનગર ખાતે નવેમ્બરમાં યોજાનારા આ એક્ઝિબિશન અંતર્ગત ભારતનાં ૧૦૦ શહેરોમાં પ્રમોશન મિટીંગ યોજાશે અને વિશ્વનાં ૭૩ દેશોમાં રોડ શો કરવામાં આવશે. જે એક્ઝિબિશનમાં ભાગ લેવા ભારતમાંથી ૧,૨૫,૦૦૦થી વધુ સિરામિક વેપારીઓ, બિલ્ડરો અને આર્કિટેક આવશે. આ ઉપરાંત વિશ્વભરમાંથી આશરે ૩,૦૦૦થી વધુ સિરામિક વેપારીઓ, આયાતકારો અને આગેવાનો આવશે. સાથોસાથ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અમદાવાદનાં એરપોર્ટ પર આ અંગે સ્ટોલ ઉભા કરાશે અને મોરબી ફેક્ટરી મુલાકાત લેવા આવનાર મેહમાનો માટે હેલીકોપ્ટર સુવિધા પૂરી પાડવામાં આવશે. તેમજ આ એક્ઝિબિશનમાં બેસ્ટ ઈન્ટીરીયર અને બેસ્ટ આર્કિટેક સહિતનાં એવોર્ડ આપવામાં આવશે.
આ એક્ઝિબિશનમાં વિશ્વનાં એવા દેશોની બજારને ખુલ્લી મૂકશે જ્યાં હજુ સુધી મોરબી સિરામિકની પ્રોડક્ટ પહુંચી નથી. આ ઉપરાંત સ્પેન અને ઈટાલી જેવા સિરામિક ઉત્પાદક દેશો સાથે જોઈન્ટ વેન્ચર અને જોબવર્ક માટેનાં કરારો થશે. આ પ્રસંગે ચાઈનાનાં ૨૫,૦૦૦ એક્સપોર્ટરોને આમંત્રિત કરાયા છે. જે ભવિષ્યમાં ભારતમાં સિરામિક ઉત્પાદનની નિકાસ કરે તે માટે કરારો થશે. આ એક્ઝિબિશન થી મોરબી અને ભારતના સિરામિક ઉત્પાદકોને પોતાની પ્રોડક્ટ વધુ સારા ભાવે વિવિધ દેશોમાં વેંચી શકે તે માટેની નવી તકો મળશે એવું સિરામિક એસો. પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા અને વાઈબ્રન્ટ સિરામિક એક્ષ્પોના આયોજક ઓક્ટાગોન કોમ્યુનિકેશન CEO સંદીપ પટેલે જણાવ્યું હતું.

- text

- text