મોરબી સિરામિક એસો. દ્વારા અદ્યતન ફાયરસ્ટેશનની માંગ સાથે કલેક્ટરને આવેદન અપાયું

- text


મોરબી : મોરબી ઉદ્યોગમાં વિકાસ પામતું શહેર છે. અહીં સિરામિકની ૭૦૦થી વધુ ફેકટરીઓ છે. જેમાં કિલન આવે છે. અને ટેમ્પરેચર ભઠ્ઠીનો ઉપયોગ થાય છે. આથી અવારનવાર આગ લાગવાના અને મોટી જાનહાની થવાના જોખમો રહેલા હોય મોરબી સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયા, નિલેશ જેતપરિયા અને પ્રફુલભાઈ દેત્રોજા, કિરીટભાઈ પટેલ,મનસુખભાઇ પટેલ સહિતના ઉદ્યોગકારોએ મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલને મોરબીનાં ઔદ્યોગિક વિસ્તારમાં નવું અદ્યતન ફાયરસ્ટેશન આપવા અંગે રજૂઆત કરી જણાવ્યું હતું કે, તાજેતરમાં કંડલા રોડ પર આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગતા કરોડોનું નુકસાન થયું. જે પાછળ મોરબી ફાયરબ્રિગેડની અપૂરતી ફેસેલિટી કારણભૂત છે. મોરબી ફાયરબ્રિગેડ પાસે કોઈ એવા સુવિધાનાં સાધનો નથી જે મોટી આગ પર કાબુ મેળવી શકે. આ બાબતે તંત્ર નહીં જાગે તો મોટી હોનારત સર્જાય શકે છે.

- text

હાલ સુધી આગ લાગવાના કિસ્સામાં મોટાભાગે રાજકોટથી ફાયર ફાયટર આવે છે ત્યારે આગ કાબુમાં આવે છે. મોરબી કે વાંકાનેરનાં ફાયરબ્રિગેડ સ્ટેશન ફેસેલિટીનાં નામે મીંડું છે. મોરબીનાં ઈન્ડસ્ટીઝના વિકાસ મુજબ સામાંકાંઠે વિસ્તારમાં આધુનિક ફાયરસ્ટેશનની તાતી જરૂરિયાત છે. તે પણ ઉચ્ચ ટેકનોલોજી સાથે કારણ કે, દિવસનાં સમયે જો કશે આગ લાગે તો દોઢ-બે કલાકે તો ટ્રાફિકમાંથી ફાયરબ્રિગેડ આવે ત્યાં તો મોટું નુકસાન થઈ જતું હોય છે. ઉપરાંત બીજું મશીનરી નબળી હોવાથી રાજકોટથી ફાયર ફાયટર આવે ત્યાં તો પોતાની ખૂનપસીનાની મિલ્કતનો નાશ થતો જોવા સિવાય કોઈ ઉપાય ઉદ્યોગકાર પાસે હોતો નથી. આથી આ અંગે ભવિષ્યમાં મોટી આફત ન સર્જાય તે માટે મોરબીનાં ઔદ્યોગિક વિસ્તારમાં નવું અદ્યતન ફાયરફાયટર અને સ્ટેશન આપવાની માંગ મોરબી સિરા.એસો વતી કરવામાં આવી છે.

- text