હળવદ : રંગારંગ શાળા પ્રવેશોત્‍સવ ઊજવાયો

- text


રાજ્યનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સો ટકા નામાંકન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્‍નશીલ છે – પંચાયત રાજ્યમંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયા

- text

હળવદ : નવાઘાંટીલા, માધવનગર અને ટીકર ખાતે કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો. કોઇપણ સમાજ શિક્ષિત હશે તો સમાજ અને રાજ્યને વિકાસની નવી દિશા મળશે. શિક્ષણનું સ્‍તર ઉંચુ આવે તે માટે રાજ્ય સરકારે શાળામાં લાઇટ, પાણી, શૌચાલય, શાળાના ઓરડા જેવી માળખાકીય સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવેલી છે. રાજ્યનું કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળામાં સો ટકા નામાંકન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્‍નશીલ છે. તેમ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાએ હળવદ તાલુકાના નવાઘાંટીલા, માધવનગર અને ટીકર ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ કાર્યક્રમમાં જણાવ્‍યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, શિક્ષક એ શિલ્‍પકાર છે. બાળકના સારા ભવિષ્‍યના ઘડતર માટે શિક્ષકની ભૂમિકા ખુબ જ અગત્‍યની રહેલી છે. શિક્ષણમાં વિદ્યાદાન આપે તે મોટામાં મોટું દાન ગણાય છે. જે બાળક શિક્ષણક્ષેત્રે નબળુ હોય તેવા બાળક પ્રત્‍યે વિશેષ કાળજી રાખી શિક્ષકોને શિક્ષણ આપવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે બાળક અધ્‍ધ વચ્‍ચેથી બાળક શાળા છોડી જાય નહી તે માટે દરેક વાલીઓએ અને ગામના અગ્રણીઓએ પણ ખાસ કાળજી લેવા વધુમાં ઉમેર્યું હતું.
મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાના હસ્‍તે ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્‍તકોનો સેટ અને દફતર તેમજ આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને રમકડાની કીટ આપી પ્રવેશ અપાયો હતો. મંત્રીશ્રી તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દિપ પ્રગટય તેમજ શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. ગત વર્ષમાં ધોરણ-૩ થી ૮માં પ્રથમ સ્‍થાને આવેલ વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્‍તે પુસ્‍તક આપી સન્‍માનિત કરવામાં આવેલ હતાં. ઉપરાંત મંત્રીશ્રીએ દાતાશ્રીઓને તથા ભૂતપૂર્વ વયોવૃધ્ધ વિદ્યાર્થીઓને પણ સન્‍માનિત કર્યા હતાં. શાળાના બાળકોએ સ્‍વાગત ગીત તેમજ યોગ નિદર્શનો રજૂ કર્યા હતાં. પાણી બચાવો, સ્વચ્છતા રાખો, વૃક્ષ બચાવો, બેટી બચાવો બેટી પઢાવો તથા જળ એ જ જીવન અંગે શાળાના વિદ્યાર્થીઓએ વક્તવ્‍યો રજૂ કર્યા હતાં.
આ પ્રસંગે એસ.ટી.નિગમના ચેરમેનશ્રી બીપીનભાઇ દવે, અગ્રણી સર્વશ્રી ધનશ્યામભાઇ ગોહેલ, સંઘવીભાઇ, વાસુદેવભાઇ સુનોજીયા, રજનીભાઇ સંઘાણી, ગામના સરપંચશ્રીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ સહિત ગ્રામજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં.

- text