ભડિયાદ ગામે શાળા પ્રવેશોત્સવ : ભુતપૂર્વ વિદ્યાર્થીએ શાળાને રૂ.૫૦૦૦ નું દાન આપ્યું

- text


બાળકોને પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુખરૂપ પુરૂં કરવાની શુભેચ્છા પાઠવતા વાઇસ ચેરમેનશ્રી પ્રદિપભાઇ વાળા

મોરબી : રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવના તા. આઠ જુનથી શરૂ થયેલા પ્રથમ ચરણ અન્વયે મોરબી જિલ્લાના ભડિયાદ ગામે ૧૧ બાળકોનો ગુજરાત રાજય પછાતવર્ગ વિકાસ નિગમના વાઇસ ચેરમેનશ્રી પ્રદિપભાઇ વાળાએ કરાવ્યો હતો.આ પ્રસંગે વાઇસ ચેરમેન શ્રી પ્રદિપભાઇ વાળાએ ધો-૧ માં પ્રવેશ મેળવતા બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો, અને ઉપસ્થિત વાલીઓને વ્યસન મુકિતની શીખ આપી હતી.
શ્રી વાળાએ પ્રવેશ મેળવતા બાળકોને પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુખરૂપ પૂરૂં કરવાની શુભેચ્છા પાઠવી હતી અને ઉમેર્યું હતું કે રાજયસરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ શૈક્ષણિક યોજનાઓનો લાભ લઇને બાળકોએ રાજય તથા દેશના વિકાસમાં અગ્રેસર થવું જોઇએ.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કાંતિભાઇ અમૃતિયાએ બાળકોને નિયમિત શાળાઓ આવવા, અભ્યાસમાં મન પરોવવા તથા સ્વચ્છતા રાખવાની શીખામણ આપી હતી.રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ ઉજવાઇ રહેલા શાળા પ્રવેશોત્સવનો લાભ લઇ ઉચ્ચ જીવન તરફ પ્રવૃત્ત થવા તેમણે વિદ્યાર્થીઓને ખાસ અનુરોધ કર્યો હતો તથા વાલીઓને ટકોર કરી હતી કે છાત્રોને કામે વળગાડવાને બદલે તેમનું શિક્ષણ પુરૂં કરવામાં ધ્યાન દે. શાળાના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને સ્વાગતગીત,પ્રાર્થના,યોગ-નિદર્શન, “પાણી બચાવો” વિષય પર અમૃતવાંચન વગેરે કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે ૬ કુમારો અને ૫ કન્યાઓને ધો-૧ માં પ્રવેશ કરાવાયો હતો તથા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. વાલી મીટીંગ પૂર્ણ થયા બાદ આમંત્રીતોએ શાળા પરિસરની મુલાકાત લઇ શિક્ષણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તથા જરૂરી સૂચનો કર્યા હતા. શાળાના પ્રાંગણમાં વાઇસ ચેરમેનશ્રી વાળા તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું.
આ શાળાના વયોવૃધ્ધ ભુતપૂર્વ વિદ્યાર્થી શ્રી ગિરધરભાઇ અઘારા તથા નારણભાઇ અઘારાનું વાઇસ ચેરમેનશ્રી પ્રદિપભાઇ વાળા દ્વારા શાલ ઓઢડીને સન્માન કરવામાં આવ્યુ હતુ તેમજ શ્રી ગિરધરભાઇ અઘારા એ શાળાને રૂ.૫૦૦૦ નું દાન કર્યું હતું. આ પ્રસંગે શાળાના શાળાના આચાર્યશ્રી મુકેશભાઇ હુંબલ,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,ગામના વડીલો,વરિષ્ઠ નાગરિકો,વાલીઓ તથા શિક્ષકગણ ઉપસ્થિત રહયા હતાં.

- text