મોરબી : આજથી ઉનાળું વેકેશન બાદ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

- text


શૈક્ષણિક વર્ષાભિનંદન : સ્કૂલોની ઈમારતો ઉપવન બની

મોરબી : આજથી નવા શૈક્ષણિક સત્રનો શુભારંભ થતા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ફરીથી ધમધમવા લાગી છે. ૩૫ દિવસનાં ઉનાળુ વેકેશન બાદ તા. ૮ જુનથી ગ્રામીણ વિસ્તારમાં ત્રી-દિવસીય શાળા પ્રવેશોત્સવ શરુ થઈ જશે. આજ સવારથી જ મોરબીમાં માતાપિતાઓ પોતાના સંતાનો શાળાનાં પ્રથમ દિવસે સ્કૂલે મુકવા જવાના અને સ્કૂલમાં નવા સત્રનાં પ્રારંભે વિદ્યાર્થીઓને કંકુ ચોખા અને મીઠું મોઢું કરાવી સ્વાગત કરવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
વેકેશન બાદ શાળાઓ ફરી શરુ થતા અવસરે પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, ચોપડા સહિતની સ્ટેશનરી વસ્તુઓ ખરીદવા માટે મોરબીની બજારોમાં વ્હાલીઓ અને વિદ્યાર્થીઓને ભીડ જોવા મળી હતી. આ વર્ષે સમયસર સૌને પાઠ્યપુસ્તકો મળી રહે તેવી આગોતરી વ્યવસ્થા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી છે. જોકે ગત વર્ષ કરતા આ વર્ષ સ્કૂલ સ્ટેશનરી આઈટેમમાં ૧૦થી ૨૦ ટકાનો ભાવવધારો જોવા મળતા માતા-પિતાને આકસ્મિક બોજ ઉઠાવવાનો સમય આવ્યો છે તો વળી બીજી તરફ કેટલાંક કોર્ષ અને પાઠ્યપુસ્તકો બદલાતા નવા પુસ્તકો ન મળતા ક્યાંક પુસ્તકો હોય તો વધુ પૈસા ચૂકવીને ખરીદવા પડે તેવી કફોડી પરિસ્થિતિ સર્જાય છે. આમ છતા નવા શૈક્ષણિક વર્ષનાં આરંભે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને હર્ષ જોવા મળી રહ્યો છે. બાળકો નવા વિષયો અને ભણતર મેળવવા ઉત્સુક છે.
છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચાલી રહેલા ફી નિર્ધારણમાં સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો સામે સરકારની હાર થતા તેમજ ખાનગી શાળામાં ફી નિર્ધારણ મુદ્દે કઈ નક્કર કામગીરી ન થતા વ્હાલીઓને પોતાના બાળકોને ભણાવવા માટે હજારો રૂપિયાની ફી ભરવી પડી રહી છે ત્યારે સરકાર પણ બધું ચૂપચાપ ચાલવા દે છે. આ શૈક્ષણિક સત્ર અનેક આંદોલન અને આશા-અપેક્ષા સાથે આજથી શરુ થઈ રહ્યું છે ત્યારે મોરબી અપડેટ તરફથી દરેક શાળા અને વિદ્યાથી સહિત વ્હાલીઓને શૈક્ષણિક વર્ષાભિનંદન.

- text