મોરબી પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ૮મી જુને ચુંટણી

- text


ભાજપ-કોંગ્રેસ દ્વારા પાલિકા કબ્જે કરવાના પ્રયાસ હાથ ધરાયા : સ્પષ્ટ બહુમતી કોને મળશે એ અંગે અટકળો અને આશંકાઓ

મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી નગરપાલિકાનાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની અવિશ્વાસ દરખાસ્તનાં મુદ્દે તંબુભેગા થઈ ગયા બાદ પાલિકાનાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી માટે કલેક્ટરે ૮ જુનનાં રોજ બોર્ડની મિટીંગ બોલાવી ડે. કલેક્ટરની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજવાનું જાહેર કર્યું છે.
મોરબી નગરપાલિકાનાં હાલની રાજકીય ગરમાગરમી વચ્ચે ફરીથી મોરબી પાલિકાનાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી ૮ જુન ગુરુવારનાં રોજ બપોરે ૧૨ વાગ્યે પાલિકાનાં કાઉન્સીલર હોલમાં યોજાશે. જેમાં પાલિકાના બાવન સભ્યોમાંથી પ્રમુખ-ઉપપ્રમુખ માટે દાવેદારી થશે અને જે સભ્યને ૨૭થી વધુ સભ્યોનું સમર્થન મળશે તેને મોરબી પાલિકાનાં પ્રમુખ-ઉપપ્રમુખનો તાજ પહેરવામાં આવશે.
દોઢ વર્ષ અગાઉ ડિસેમ્બર ૨૦૧૫માં મોરબી પાલિકાની યોજાયેલી સામાન્ય ચુંટણીમાં પાલિકાની બાવન સીટોમાંથી કોંગ્રેસને ૩૨ સીટો અને ભાજપને ૨૦ સીટો મળી હતી. કોંગ્રેસે બહુમતી સાથે પ્રથમ અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ અસ્મિતાબેન કોરીંગા અને ઉપપ્રમુખ ફારુખભાઈ વરણી કરી પરંતુ ૬ મહિનામાં જ કોંગ્રેસમાં બળવો કરી વિકાસ સમિતીની રચના કરી કોંગ્રેસનાં નયનાબેન રાજ્યગુરુ ભાજપનાં ટેકાથી પ્રમુખ પદે આસીન થયા હતા. ઉપપ્રમુખ પદે અરજણભાઈ ચુંટાયા હતા ત્યારબાદ મોરબી નગરપાલિકામાં વિચિત્ર રાજકીય પરિસ્થિતિ નિર્માણ થતા વિકાસ સમિતી, ભાજપ અને કોંગ્રેસ સભ્યોની આવન જવન શરુ થતા પાલિકાની કમાન કોના હાથમાં હતી એ નક્કી કરવું મુશ્કેલ હતું. તેવામાં ઉપપ્રમુખ અરજણભાઈએ રાજીનામું આપતા ખાલી પડેલી જગ્યા પર ભાજપનાં અનીલભાઈ મહેતા કોંગ્રેસના ટેકાથી ઉપપ્રમુખ બન્યા હતા પરંતુ ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી જેને ભાજપનો ટેકો મળતા પ્રમુખ-ઉપપ્રમુખ બંને તંબુ ભેગા થઈ ગયા હતા.
હાલમાં દોઢ વર્ષના ગાળામાં ત્રીજી વખત પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ પાસે ૨૦ અને કોંગ્રેસ પાસે ૨૨ અને બાકી અન્ય ૧૦ કોંગ્રેસના બળવાખોર સભ્યો છે. જેમાં પ્રમુખ બનવા ૨૭ સભ્યોનો ટેકો જરૂરી છે ત્યારે પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની સીટો પર કોણ બાજી મારી જાય છે તે જોવું રહ્યું.

- text

- text