મોરબી : આઈએમએનાં પડતર પ્રશ્નો ન ઉકેલાતા ૬ જુને વિરોધ પ્રદર્શન

- text


નવી દિલ્હી ખાતે ડોક્ટરો રેલી અને ભારતભરની હોસ્પિટલો બંધ રાખી આઈએમએની પડતર માંગણીઓ સંતોષવા રજૂઆત કરશે

મોરબી આઈએમએનાં પ્રમુખ ડો. ભાવનાબેન ભટ્ટ, મંત્રી ડો. અંજનાબેન ગઢીયા અને ડો. જયેશભાઈ સનારીયા દ્વારા મોરબી અપડેટને જણાવવામાં આવ્યું હતું કે, આઈએમએની ઘણા લાંબા સમયથી પડતર માંગણીઓના સંદર્ભમાં વારંવાર રજૂઆત કરવા છતા કોઈ જ હકારાત્મક પ્રતિભાવ ન મળતા આખા ભારતભરમાંથી આશરે ૬ હજાર કરતા વધુ ડોક્ટરો અને તબીબ વિદ્યાર્થીઓ તા. ૬ જુન મંગળવારના રોજ ‘ચાલો દિલ્હી’ કાર્યક્રમ હેઠળ રાજઘાટ નવી દિલ્હી ખાતે ભેગા થશે. જ્યાંથી રેલી કાઢી ઈન્દિરા ગાંધી ઇન્દોર સ્ટેડીયમ પહોંચી મહાસભા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરી આઈએમએની માંગણીઓ પૂર્વ કરવા પુનરોચ્ચાર કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાતમાંથી આશરે ૨૫૦ જેટલા ડોક્ટરો નવી દિલ્હી જશે. આ ઉપરાંત ઈમરજન્સી સેવાને બાદ કરતા ૬ જુન મંગળવારનાં રોજ આખા ભારતની હોસ્પિટલો સવારે ૮થી બપોરે ૨ વાગ્યા સુધી આ વિરોધ પ્રદર્શનનાં ભાગરૂપે બંધ રહેશે.
આઈએમએની માંગણીનાં મુખ્ય મુદ્દાઓ મેડિકલ અને કારકુનની ભૂલના પગલે ફોજદારી કાર્યવાહી, કન્જ્યુંમર પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ડોક્ટરો દ્વારા ચુકવા પડતા વળતરની મહત્તમ મર્યાદા રાખવાનું, દર્દીઓની સારવાર અને પ્રિસ્કીપ્સન પર સ્વાયતતા, ડોક્ટર અને કર્મચારી પર હુમલાના કિસ્સામાં કડક કેન્દ્રીય કાયદો, એમબીબીએસ ગ્રેજ્યુએટને વિશેષાધિકાર, એક દવા – એક કંપની – એક કિંમત, આંતર મંત્રીય કમિટીની ભલામણોને છ અઠવાડિયામાં મંજુરી, વિવિધ પરમિશન માટે સિંગલ વિન્ડો વ્યવસ્થા, નેક્સ્ટને બદલે એમબીબીએસની સમગ્ર દેશમાં એક સરખી પરીક્ષા, તબીબી શિક્ષકોને નોકરી માટે ભારતભરમાં એક સરખા ધારાધોરણનો અમલ, સરકારની હેલ્થ કમિટીમાં આઈએમએનાં સભ્યોને સ્થાન, ૨૦ હજાર ફેમિલી ફીજીશીયન પીજી સીટોની ફાળવણી, દરેક પ્રકારની તબીબી સારવાર માટે જીડીપીનાં ૫ ટકા હેલ્થ બજેટ માટે ફાળવવા સહિતની નાનીમોટી માંગણીઓ હોવાનું મોરબી આઈએમએનાં પ્રમુખ ડો. ભાવનાબેન ભટ્ટ, મંત્રી ડો. અંજનાબેન ગઢીયા અને ડો. જયેશભાઈ સનારીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- text

- text