સિરામિક ઉદ્યોગને ભાજપ સરકાર દ્વારા જીએસટી હેઠળ અન્યાય : બ્રિજેશ મેરજા

સિરામિક ઉદ્યોગને ૨૮ ટકાનાં જીએસટી સ્લેબમાં સમાવવાથી મોરબીનો વિકાસ રુંધાશે, હજારો સિરામિક એકમ અને લાખો લોકોનું હિત જોખમાય રહ્યું છે : બ્રિજેશ મેરજા

મોરબી જિલ્લાનો વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ જગતભરમાં નામના મેળવી રહ્યો છે ત્યારે ભાજપની કેન્દ્ર સરકાર આ ઉદ્યોગને GSTમાં ૨૮% સ્લેબ હેઠળ આવરી લઈને સિરામિક ઉદ્યોગકાર સાથે હળહળતો અન્યાય કરી રહી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ મોરબી અપડેટને જણાવ્યું છે કે, સ્વબળે આગળ આવી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો એન્ટીડમ્પીંગ ડ્યૂટી, ટ્રાન્સપોર્ટનગર, રસ્તા, પાણી જેવી માળખાકીય સગવડ, ગેસમાં ભાવ ઘટાડો, ગેસીફાયર જેવી માંગણીઓ સામે ભાજપ સરકારને છાશવારે ઘૂંટડિયે પડવું પડે અને કોર્ટ દ્વારા ન્યાય મેળવવા ન્યાયપાલિકાનો આશરો લેવો પડે તેવી ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.
મોરબીનાં સિરામિક ઉદ્યોગ પર નિર્ભર રહીને રોજગારી મેળવતાં લાખો સામાન્ય વર્ગના લોકહિતમાં ન વિચારતા ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદસભ્યોના આગેવાનોએ સિરામિક ઉદ્યોગનું હિત ઈચ્છીને અવાજ ઉઠાવો જોઈએ. ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર સિરામિક ઉદ્યોગના પ્રશ્નો ઉકેલવામાં સફળ રહી હતી. જ્યારે ભાજપ સરકાર સામે સિરામિક ઉદ્યોગકારને ૪૫ દિવસ સુધી આંદોલન ચલાવવું પડ્યું હતું.
GSTમાં ૨૮% સ્લેબ સામે ૧૮% સ્લેબની વ્યાજબી માંગણી સંતોષવા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળને સાથે રાખી સિરામિક એસો.એ રજૂઆત કરવાથી આ પ્રશ્નનો નિવારણ આવે તે ખાસ જરૂરી છે કારણ કે મોરબી સિરામિક આઈટમ લક્ઝરી નહિ પરંતુ સામાન્ય વર્ગના માનવીનો રોજિંદા જીવનના વપરાશનો હિસ્સો છે અને મોરબીનું સમગ્ર આર્થિક પાસું સિરામિક ઉદ્યોગ પર આધારિત છે. તે જોતાં સિરામિક ઉધોગ નબળો પડશે તો મોરબીની પ્રગતિ રુંધાશે. આથી તે અટકાવવું અનિવાર્ય છે.
જીએસટીને ૧૨થી ૧૮ ટકાનાં સ્લેબમાં સમાવવા કોંગ્રેસનો પ્રમુખ બ્રિજેશ મેરજાએ પૂરો સહયોગ આપતા આ અન્યાય સામે સિરામિક ઉદ્યોગકારોએ સરકાર સામે લાલ આંખ દેખાડીને પોતાનો હક્ક માંગવા આગળ આવવું જોઈએ એવું જણાવ્યું છે.