માળિયા (મી.) : કૃત્રિમ અને કુદરતી આફતોથી તબાહ થતા ગામડાઓની આપવીતી જાણો..

- text


અપૂરતી સિંચાઈની સગવડ, દુષ્કાળ, બેરોજગારી અને માળખાગત સુવિધાનાં અભાવથી માળિયા મી. તાલુકાની પરિસ્થિતિ બેહાલ

મોરબી જિલ્લાનું માળિયા મિયાણાનું વર્ષામેડી ગામ.. જ્યાં મોટાભાગના લોકોનાં ઘરના દરવાજે તાળા લટકતા જોવા મળે છે. આ બંધ મકાનોની પાછળ એક કરુણ વાસ્તવિકતા છુપાયેલી છે. આ મકાનોમાં રહેતા લોકો હવે રહે છે શહેરોમાં. કારણ કે માત્ર વરસાદ આધારિત ખેતી સિવાય અહીના લોકો પાસે બીજો કોઈ વ્યવસાય નથી. પાણીનો વર્ષોથી પોકાર પાડતા આ ખેડૂતોની અંતે ધીરજ ખૂટી ગઈ અને ગામડું ખાલી થવા લાગ્યું છે ત્યારે આજે આ ગામમાં માંડ ૧૦ ટકા જેટલા જ લોકો વસવાટ કરી રહ્યા છે. કઈક આવી જ સ્થિતિ આ દરિયાઈ પટ્ટી પર આવેલ ૧૫ જેટલા અન્ય ગામોની છે. જો અહી વસતા લોકો પર ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આ ગામડાઓ વેરાન બની જશે. રોજગારી માટે લોકો બહાર જવા લાગતા એક સમયે લોકોથી હર્યાભર્યા આ ગામડાઓ હવે લાચાર બનીને પાણી માટે અંતિમ પોકાર લગાવી રહેલા ભાસી રહ્યા છે.
વાત જો વર્ષામેડી ગામની જ કરીએ તો અહી ખેડૂતોના પરિવારો મોટેભાગે શહેરોમાં રહેવા ચાલ્યા ગયા છે અને ગામમાં માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ ખેડૂતો છે અને એ પણ કોઈ ઘર સાચવવા તો કોઈ જમીન સાચવવા પડ્યા રહ્યા છે. વરસાદની મોસમ આવે એટલે ખેડૂતો આજે પણ સારા પાકની આશામાં કાળી મજુરી કરી પાક લેવા પ્રયત્ન કરે છે પણ વરસાદ ઓછો આવે તો પણ નુકસાન અને વધુ આવે તો પણ નુકસાન અને જો પ્રમાણસર વરસાદ થાય તો આસપાસ જંગલ વિસ્તાર હોવાથી પશુઓ પણ વધુ પ્રમાણમાં છે અને સારો પાક થવાની આશા પર તે પાણી ફેરવી દે છે. આમ, ખેડૂતો પાસે સિંચાઈ માટે કોઈ સુવિધા ન હોવાથી ખેતીની સાથોસાથ ગામડાઓથી પણ વિમુખ થઇ રહ્યા છે. વર્ષામેડી ગામના ખેડૂત જસમતભાઈ જણાવે છે, કે તેમના પરિવારમાં ૧૫ લોકો છે પણ ગામમાં રોજગારી મળતી નથી ને ખેતી વરસાદ આધારિત હોવાથી આટલા પરિવારનું ભરણ પોષણ થતું નથી જેના લીધે આખો પરિવાર શહેરમાં રોજગારી માટે ચાલ્યો ગયો છે અને તેઓ એકલા અહી ખેતીની જમીન અને મકાન સાચવવા રહી ગયા છે.
ગામની આસપાસ ખેતી સિવાય માત્ર દરિયાના પાણીમાંથી મીઠું પકવતા અગરો છે જેના લીધે ગામના મીઠા પાણીના તળાવ જો વરસાદમાં ભરાઈ પણ જાય તો મીઠું આ પાણીમાં ભળી જતું હોવાથી પાણી બગડી જાય છે જેના લીધે ગામના ઢોરને વિવિધ બીમારીઓ થાય છે. ગામ લોકોને પીવા મળે એટલું પુરતું પાણી પણ પીવાનું મળતું નથી જેના લીધે ગામના પશુપાલકો પણ કફોડી હાલતનો સામનો કરી રહ્યા છે.
માળિયા તાલુકો આમ પણ રોજગારીના અભાવે પછાત ગણાય છે. દરિયો નજીક હોવાથી અહીની જમીનની ફળદ્રુપતા પણ ઓછી છે અને તેમાં પણ આ તાલુકાના દરિયાઈ પટ્ટીના વર્ષામેડી, બોડકી, દહીસરા, ખીરસરા, બગસરા જેવા પંદરેક ગામોની સ્થતિ અતિ ખરાબ છે. અહી વરસાદના પાણી સિવાય સિંચાઈ માટે કોઈ જ સુવિધા નથી જેના લીધે ખેતી કરવામાં ખેડૂતોના હાથમાં ઘરખર્ચ જેટલી રકમ પણ આવતી નથી. વર્ષોથી આ ગામો સિંચાઈ માટે પાણી મળે એવી આશા સરકાર પાસે રાખીને બેઠા હતા પણ આજ સુધી કોઈ પણ સરકારને આ વિસ્તારો માટે ગંભીરતાથી વિચારવાનો સમય જ કદાચ મળ્યો નથી જેના લીધે આ વિસ્તારના ખેડૂતો એ હવે શહેરો તરફ નજર કરી છે. કોઈપણ રીતે ઘરનું ગુજરાન તો ચલાવવું જ રહ્યું અને એ માટે હવે આ ગામડાઓના ખેડૂતોએ પોતાના ગામ છોડી શહેરોમાં વસવાટ કરવાનું શરુ કર્યું છે જેના લીધે આ ગામડાઓ વિરાન બનવા તરફ આગળ વધી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં બાવળો ઉગી ગયા છે. વાવેતર પાછળ ખર્ચ કરવો પણ ખેડૂતોને પોસાય એમ નથી ત્યારે તાજેતરમાં જ આ પંદર ગામો સહીત મોરબી માળિયાના ૪૦ જેટલા ગામના ખેડૂતોએ કે ડી બાવરવા, જનરલ સેક્રેટરી, ઇન્ટરનેસનલ હ્યુમન રાઈટ એસોસીએસનની આગેવાનીમાં સિંચાઈ માટે કેનાલ લંબાવી પાણી આપવાની માંગણી કરી છે.
સમાન્ય રીતે દરિયા કાંઠો હોય એવા વિસ્તારો આર્થિક રીતે સંપન્ન રહી શકે એવા રોજગારો ત્યાં ઉપલબ્ધ હોય છે પણ માળિયા તાલુકો એક એવો પછાત તાલુકો છે જ્યાં ખેડૂતો માટે દરિયો આશીર્વાદ ઓછો અને અભિશાપ વધુ પુરવાર થઇ રહ્યો છે. જમીનમાં ખારાસનો ભાગ હોવાથી ખેતીમાં ઉત્પાદન આમ પણ ઓછું આવે છે તેમાં પણ સિંચાઈ માટે કોઈ સુવિધા ન હોવાથી માત્ર વરસાદ આધારિત જ ખેતી હોવાથી ખેડૂતોએ ના છૂટકે રોજગારી માટે પોતાનું ગામ છોડવું પડી રહ્યું છે. દરિયાઈ પટ્ટીના પંદરેક ગામોમાં આવી જ સ્થિતિ બની છે અને ગામડા ખાલી થઇ રહ્યા છે. હવે મોરબી માળિયાના ૪૦ જેટલા ગામના ખેડૂતો સિંચાઈની માંગણી સાથે ખુલીને બહાર આવ્યા છે એ સમયે આંદોલનની શરૂઆત થઇ ચુકી છે. હવે સરકાર આ બાબતને ગંભીરતાથી લઇ લાચાર બની ગયેલા ગામડાઓ માટે ખાસ સિંચાઈની સુવિધા ઉભી કરે એ સૌની માંગ છે.

- text