મોરબી : રોડ રસ્તાનાં કામમાં કૌભાંડની શંકાએ વિજીલન્સ તપાસની માંગ

- text


જિલ્લા કલેક્ટરને સી.પી.આઈ દ્વારા રજૂઆત

મોરબી : પાલિકા દ્વારા નવા સીસી અને ડામર રોડ બનાવવામાં આવેલા રસ્તા થોડા સમયમાં ખરાબ અને બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં પાલિકા તંત્ર પર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે સી.પી.આઈએ નવા રસ્તામાં ગેરરીતિનાં આક્ષેપો સાથે આ બાબતની તટસ્થ તપાસ વિજીલન્સ દ્વારા કરવાની ક્લેક્ટરને રજૂઆત કરી છે
મોરબી જિલ્લાનાં સી.પી.આઈના હોદ્દેદારો કટિયા ગુલમહમદ હબીબભાઈએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, પાલિકામાં હાલ ભાજપના આધારે કોંગ્રેસમાથી અલગ પડેલા સભ્યોની વિકાસ સમિતિનું શાસન ચાલી રહ્યું છે. જેમાં કલ્પના બહારનો ગેરવહીવટ ચાલી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં મોરબીનાં અનેક વિસ્તારોના સીસી રસ્તા બનાવવામાં આવ્યાં છે. જેમાં સાયન્ટિફિક રોડ અને સો ઓરડી રોડને સીસી રોડ બનાવવામાં આવ્યાં છે. પરંતુ નિયમ અનુસાર આ રોડના કામોમાં જરૂરી મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં તેમજ યોગ્ય ગુણવત્તાયુક્ત સીમેન્ટ અને પાણીનાં ઉપયોગમાં બેદરકારી જોવા મળે છે. ઉપરાંત રસ્તાનાં કામકાજમાં પાલિકા તંત્ર દ્વારા ઇન્સપેકશન પણ હાથ ધરવામાં આવ્યું નહીં. આ સિવાય વોર્ડ નં ૧૨નાં રોહિતદાસપરાથી ગુજરાત સોસાયટી, રણછોડનગરથી અમૃતપાર્ક, ગોદામથી રોહિદાસપરા મેઇન રોડ, દિપ્તી હેલ્થ સેન્ટરથી પ્રકાશ ટાઇલ્સ રોડ સુધી, વીસી ફાટક પોલીસ ચોકીથી સ્મશાન સુધીનો રોડ સહિત તમામ રસ્તા છેલ્લાં છ મહિનામાં નવાં બનાવવામાં આવ્યાં હતાં. જેમાં મોટા પાયે ગેરરીતિ આચરી હલકી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ એજન્સીએ બીનઅનુભવી કોન્ટ્રાકટરોને કામ સોપતા રોડનું કામ નબળું થયું છે. જેના કારણે નવાં બનેલા રોડનાં મેટલ સીમેન્ટ ઊખડી ગયાં છે. તો અમુક રસ્તામાં તિરાડો અને ખાડા પડી ગયાં છે. પ્રજાનાં પૈસાથી કરોડો રૂપિયા રસ્તા બનાવવામાં ખર્ચવામાં આવ્યાં છતાં સરકારી કામમાં ગેરરીતિ થયું હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા ક્લેક્ટર દ્વારા કોન્ટ્રાકટર અને સત્તાધીશોને મોટાં ભાગનું પેમેન્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે રસ્તાનું આયુષ્ય કેટલું? તે વિચારવું રહ્યું. આ સવાલ સાથે વિજીલન્સ તપાસની માંગ થઈ છે.

- text

- text