પાલિકા પ્રમુખ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત મંજુર થશે !

- text


મોરબી પાલિકા પ્રમુખ સામે કાલે અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે બોર્ડ

મોરબી : મોરબી નગર પાલિકામાં રાજકીય અસ્થિરતાના માહોલની વચ્ચે આવતીકાલ 31 મેના રોજ પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે મળનારા બોર્ડમાં પાલિકા પ્રમુખ સામે મુકાયેલી અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર થાય તેવી માહિતી અંગત આધારભૂત રાજકીય સુત્રોમાંથી મળી રહી છે. જોકે સાચી પરિસ્થિતિ તો કાલે બોર્ડ મળ્યા બાદ જ સામે આવશે.
મોરબી નગર પાલિકામાં ચાલી રહેલી વિચિત્ર રાજકીય સ્થિતિની વચ્ચે કોંગ્રેસના 22 સભ્યોએ લેખિતમાં પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી તેમને હોદા પરથી દુર કરવા માંગ કરી હતી. આ મુદ્દે પ્રથમ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે 27મીએ બોર્ડ બોલાવાયું હતું. પરંતુ પાલિકા ઉપપ્રમુખ અનિલભાઈ મેહતાએ બોર્ડના આગલા દિવસે જ રાજીનામુ આપી દીધું હતું. આ સમયે અનિલભાઈ મહેતાની જેમ પાલિકા પ્રમુખ નયનાબેન રાજ્યગુરુ પણ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત માટે મળનારા બોર્ડ પેહલા રાજીનામુ આપી દેશે તેવી ગોઠવણ થયાની ચર્ચા ઉઠી હતી. ત્યારે આવતીકાલે 31મીએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે બોર્ડ મળનાર છે. અને હજુ સુધી અગાવ ઉઠેલી ચર્ચા મુજબ પ્રમુખ દ્વારા રાજીનામુ આપવામાં આવ્યું નથી. ત્યારે આ મુદ્દે આજે પાલિકા પ્રમુખ જેમના ટેકાથી સત્તા પર બેઠા છે તે સભ્યોમાંથી નારાજ સભ્યોની એક ગુપ્ત મિટિંગ યોજાઈ હતી. જેમાં આવતી કાલના બોર્ડમાં કોંગ્રેસે પ્રમુખ સામે મુકેલી અવિશ્વાસની દરખાસ્ત મજૂર કરવાના સમર્થનમાં વોટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરવા 52 સભ્યો માંથી 35 સભ્યોનું સમર્થન જરૂરી છે. કોંગ્રેસ પાસે 23 જેટલા સભ્યો છે. અને બાકી ભાજપના સભ્યો કે જેના ટેકાથી નયનાબેન રાજ્યગુરુ કોંગ્રેસમાંથી બળવો કરી ને પ્રમુખ પદે બેઠા છે તે સભ્યો પણ પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં વોટિંગ કરે તેવી માહિતી આધારભૂત રાજકીય સૂત્રો માંથી જાણવા મળી રહી છે. જોકે ખરેખર પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજુર થાય છે કે નહીં તે તો આવતીકાલના બોર્ડમાં ખબર પડશે.

- text

- text