મોરબી : જ્યાં જુઓ ત્યાં ગટર ઉભરાવવાની સમસ્યાથી પ્રજા પરેશાન

તંત્રનાં ઠગકામથી રોગચાળો ફેલાવવાનો ડર, અધિકારીઓનાં આંખ આડા કાન

મોરબી : તંત્રની ઘોર બેદરકારીને કારણે જ્યાં જુઓ ત્યાં ગટર ઉભરાવવાની સમસ્યાઓ સામે આવી રહી છે. આથી લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રનાં ઠગકામ અને અધિકારીઓનાં ઉદાસીપણાથી મોરબીની જનતાનું આરોગ્ય હવે રામ ભરોસે છે.
મોરબીનાં અનેક પ્રશ્નોમાનો એક સળગતો પ્રશ્ન ગટર ઉભરાવવાની સમસ્યા છે. શહેરનાં મોટાભાગના વિસ્તારો અગાઉથી જ ગંદકીથી ખદબદતા હતા ત્યારે અધૂરામાં પૂરું ઠેર-ઠેર ગટરો ઉભરાણી છે. જેમાં શનાળા રોડના રામચોક પાસેની ગટર ઉભરાવવાની સમસ્યા હદ બહાર વધી છે. અહિયાં ગટરનાં પાણીનું જાણે તળાવ ભરાયું છે. જેથી ભારે ગંદકી સાથે રોગચાળો ફાટી નીકળે તો કોઈ નવાઈની વાત નથી. જો કે આ વિસ્તારમાં ગટર ઉભરાઈ થોડા સમય બાદ પાણી ઓસરી જવાનું વર્ષોથી ચાલ્યું આવે છે. વારંવાર ગટર જામ થઈ જવાની સમસ્યાથી નહેરુ ગેઈટ, ગેસ્ટ હાઉસ રોડ, બજાર લાઈન અને લાતી પ્લોટ ઉપરાંત ગ્રીન ચોક, કંસારા શેરી વિસ્તારનાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
શહેરનાં વિવિધ સ્થળોએ ઉદભવેલી ગટર સમસ્યાનું નિરાકરણ હાથ વેંતમાં છે પરંતુ તંત્રનાં ઠાગાઠેયા અને અધિકારીઓનાં આંખ આડા કાન કરવાના કારણોસર સ્થિતિ જેમની તેમ છે. સ્વચ્છતા એપ થાકી જાગૃત પ્રજાએ ફોટા મોકલી પણ જાણ કરી હતી તેમ છતા તંત્ર ઉંધી રહ્યું હોય હવે આ સમગ્ર સ્થિતિ વધુ વકરે એ પહેલા તંત્ર જાગે એ જરૂરી છે.