મોરબી : પાણીપ્રશ્ને મહિલાઓનો પાલીકામાં હલ્લાબોલ

- text


પંદર દિવસ સુધી પાણી ન મળતા ચિત્રા અને શ્રીજી વિસ્તારની મહિલાઓ આકરા પાણીએ

મોરબીમાં પાણીની સમસ્યા મુદ્દે વધુ એક વિસ્તારની બહેનો દ્વારા પાલીકા સમક્ષ મોરચો માંડવામાં આવ્યો હતો. શનાળા રોડ પરનાં ચિત્રાનગર અને શ્રીજી ક્લોક વિસ્તારમાં છેલ્લાં પંદર દિવસથી પાણી ન મળતા મહિલાઓએ અકારા પાણીનો મિજાજ દર્શાવતા પાલીકા કચેરીએ દોડી જઈ ઉગ્ર રજૂઆતો કરી હતી. જ્યાં ઉપસ્થિત ચીફ ઓફિસરે પાણી સમસ્યા મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
મોરબીનાં શનાળા રોડ પર આવેલા ચિત્રાનગર અને શ્રીજી ક્લોક વિસ્તારમાં પાણી સમસ્યાથી ત્રાસેલું મહિલાઓનું ટોળું પાલીકા કચેરીએ દોડી ગયું હતું. જ્યાં મહિલાઓએ પાણી પ્રશ્ને હલ્લાબોલ કરી જણાવતા કહ્યું હતું કે, છેલ્લા પંદર દિવસથી વિસ્તારમાં પાણી આવ્યું નથી. પાણી આવતું ન હોવાથી જ્યાં-ત્યાં પાણી માટે ફાંફા મારવા પડે છે. અંતે કશે પાની ન મળતા પાણી વેચાતું લેવું પડે છે. અગાઉ પાણી મળતું હતું તો પાણી વિતરણનો કોઈ ચોક્કસ સમય નક્કી ન હતો. ક્યારેક તો અડધી રાત્રે પાણી આવતું હોવાથી ઉજાગરા કરવા પડે છે. જ્યારે હવે તો પાણી આવતું જ નથી. બીજી તરફ બાજુનાં વિસ્તારોમાં ધમધોકાર પાણી આવે છે. તો આ વિસ્તારમાં કેમ પાણી આવતું નથી એ અંગે મહિલાઓએ પ્રશ્ન પૂછતા ચીફ ઓફિસર સાગર રાડિયાએ જણાવ્યું હતું કે, તમારા વિસ્તારમાં દસ મીટર પાણીની લાઈન નાખવાની છે. અત્યારે આ કાર્યમાં ટેકનીકલ પ્રોબ્લેમ સર્જાયો છે. જે દૂર થતા ટૂંકસમયમાં ફરી પાણી મળવા લાગશે. આ મુજબની ખાત્રી ચીફ ઓફિસર દ્વારા અપાતા મહિલાઓ શાંત થઈ હતી.

- text