ટંકારા : આંગણવાડી મહિલાઓ દ્વારા સરકારી વાયદાપત્રની હોળી કરી વિરોધ પ્રદર્શન

- text


૧૧ આંગણવાડી મહિલા વર્કરોની અટકાયત કરી જામીન પર મુક્ત કરતી ટંકારા પોલીસ

ટંકારા : કેન્દ્ર સરકાર પોતાના ત્રણ વર્ષનાં શુશાસનનાં બણગા જોરશોરથી ફૂકી રહી છે ત્યારે આજ રોજ સમગ્ર રાજ્યમાં આંગણવાડી વર્કર બહેનોએ કરેલા એલાન મુજબ ટંકારા આંગણવાડી વર્કર બહેનો દ્વારા ચૂંટણી સમયે તેઓને આપેલા વાયદાપત્રના ઢંઢેરાની હોળી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહેલી આંગણવાડી વર્કર બહેનો ફરી રણચંડી બની હતી. ભાજપનાં ત્રણ વર્ષના શાસનકાળ પૂરા થયા છતાં ચુંટણી વખતે કરેલા વાયદાઓનું હજી અમલ ન થતાં આંગણવાડી બેહનોએ વાયદા પત્રની હોળી કરી પગાર વધારાની માંગ મજબૂત કરવા ટંકારા ચોકડી પાસે એકઠી થઈ હતી. સરકાર વિરોધી પ્રદર્શન કરવા ભેગી થયેલી ૧૧ મહિલાઓની ટંકારા પોલીસે અટકાયત કરી જામીન પર મુક્ત કરી હતી.
લોકસભા અને ધારાસભાની ચૂંટણી સમયે રાજ્યની ૧ લાખથી વધુ આંગણવાડી વર્કર બહેનો માટે પગાર વધારા, લઘુત્તમ વેતન, ગ્રેચ્યુટી સહીત અનેક બાબતોએ કરેલા વાયદાના ઢંઢેરામાંથી એક પણ વાયદો પૂર્ણ ન થતા સમગ્ર રાજ્યની માફક ટંકારામાં પણ આંગણવાડી વર્કર બહેનોએ લતીપર ચોકડી પાસે ભેગા મળીને સરકાર સામે ન્યાયની આશા રાખી રાજ્ય સરકારના વાયદાપત્રનો સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવતા પત્રરૂપી ઢંઢેરાની હોળી કરવાની કોશિશ કરતા ટંકારા ફોજદાર ડિ. બી. ગોસ્વામી સહિત મહિલા પોલીસ દ્વારા દેખાવ કરી રહેલ રૂક્ષ્મણીબેન ધોડાસરા, પ્રવીણાબેન દેવમુરારી, વર્ષાબેન ભાડજા, નયનાબેન સોલંકી, સુમનબેન કુકરવાડીયા, જાગૃતિબેન શિશાગીયા, દેવિકાબેન ભંખોડિયા, અસ્મિતાબેન વ્યાસ, હર્ષાબેન જાની, નિર્મલાબેન સોલંકી અને ભાનુબેન રામાવતની અટકાયત કરી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

- text