તલવારબાજી અને સાફા બાંધવાની કળા જીવંત રાખવા શનાળાના યુવાનોનું અભિયાન

- text


ક્ષત્રિય સમાજનાં વિરલાઓ દ્વારા યુવાનોમાં લુપ્ત થતી ઐતિહાસિક વિરાસતને જીવંત રાખવા કરતો રાજધર્મ

મોરબી : રાજવી કાળનાં સૂર્યાસ્ત સાથે ક્ષત્રિયોમાં સાફા બાંધવાની તથા વીરતાનું પ્રતિક સમી તલવારબાજીની વર્ષો જૂની પરંપરા ખતમ થવાના આરે છે ત્યારે મોરબીમાં ક્ષત્રિય યુવાનોએ વીર સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવા તલવારબાજીનું પ્રશિક્ષણ આપવાનાં કાર્યનું બીડું ઝડપ્યું છે. ક્ષત્રિય સમાજની યુવા પેઢીને ક્ષત્રિય ધર્મથી માહિતગાર કરવા માટે ક્ષત્રિય યુવાનોની ટીમ નવરાશના સમયે સાફા બાંધવાની અને તલવારબાજીનું જ્ઞાન આપે છે.

- text

ભારત દેશને આઝાદી અપાવવામાં ક્ષત્રિયોનો સિંહફાળો છે, જેમણે કોઈની પણ પરવા કર્યા વિના પોતાના બલિદાનો આપીને દેશમાં બંધુત્વની ભાવના કેળવી હતી. ધીમેધીમે આધુનિક યુગનાં આગમને ક્ષત્રિય સમાજના નવયુવાનોમાં તલવારબાજી અને સાફા બાંધવાની કળા લુપ્ત થવાંનાં આરે છે ત્યારે આ પરંપરાને જીવંત રાખવા માટે બે વર્ષ અગાઉ કચ્છના આદીપુરના ક્ષત્રિય યુવાનોની ટીમ દ્વારા ક્ષત્રિય પરંપરા મુજબ સાફા બાંધવા અને તલવાર બાજીનું પધ્ધતિસરનું જ્ઞાન આપવા માટે મોરબી આવી શનાળા ગામના યુવાનોને સાફા બાંધવા તથા તલવારબાજીનું જ્ઞાન અપાયું હતું. આ ક્ષત્રિય પરંપરાની સઘન તાલીમ મેળવીને શનાળા ગામના યુવાનો યુવારાજસિંહ ઝાલા, કૃષ્ણસિહ ઝાલા, દિગ્વિજયસિંહ ઝાલા, દશુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના યુવાનોએ સમાજના અન્ય યુવાનોને પણ ક્ષત્રિય પરંપરા મુજબ તાલીમ આપવા બે વર્ષથી પ્રશિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.
ક્ષત્રિય સમાજનાં યુવાનો તલવારબાજી શીખવતી આ ક્ષત્રિય યુવા ટીમ જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા હોય દિવસ દરમિયાન નોકરી ધંધા માટે બહાર રહ્યા બાદ સાંજનાં નવરાશનાં સમયે સાફા બાંધવાની અને અન્ય પધ્ધતિસરની કૌશલ્યકળા શનાળા ગામની વાડીમાં શીખવે છે. તેઓ અન્ય યુવાનોને ક્ષત્રિય પરંપરાનું જ્ઞાન આપવા કોઈ બોલાવે તો ત્યાં જઈને પણ પ્રશિક્ષણ આપે છે. જેમાં પ્ંચાસર ગામના ૭૦ યુવાનો તેમજ રંગપર ગામે વડીલોની ઉપસ્થિતિમાં યુવાનો તલવારબાજી અને સાફા બાંધવાની રીત સમજાવી હતી.
આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૦ યુવાનોને તલવારબાજી અને સાફા બાંધવાની રીત શીખવાડી છે. જે પ્રશિક્ષણ અવિરત ચાલુ છે. આ ક્ષત્રિયો યુવાનોના જણાવ્યાનુસાર તલવારબાજીના એક હાથે, બે હાથે, ડાબો, જમણો, આગળ, પાછળ એમ કુલ ૬ સ્ટેપ છે તેમજ સાફામાં ગુર્જરી એટલે ગુજરાતી તથા જોધપુરી એટલે રાજસ્થાની સાફા વધુ પ્રચલિત છે. ક્ષત્રિયોમાં તલવાર અને સાફો ખુમારીનું પ્રતિક છે. ક્ષત્રિયોએ સમાજના રક્ષણ માટે બલિદાનો આપી દીધાનો ગૌરવંતો ઇતિહાસ છે. ક્ષત્રિયો સમાજના રક્ષણ માટે ક્યારે પણ પીછેહઠ કરતા ન હોવાથી આ ક્ષત્રિય પરંપરા કાયમી જીવંત રહે તે માટેનો યુવા ક્ષત્રિય ટીમ વતી ભગીરથ પ્રયાસ થઈ રહ્યો છે.

- text